News of Saturday, 4th April 2026
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રનનો રોમાંચ: GT vs RRના મહામુકાબલામાં પિચ કોને સાથ આપશે? જાણો શું કહે છે આંકડા અને મિજાજ
ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હાઈ-વોલ્ટેજ જંગ: બેટ્સમેનો કરશે બગડાટી કે બોલરો ઉખેડશે સ્ટમ્પ? જાણો આજની મેચનો સંપૂર્ણ પિચ રિપોર્ટ

અમદાવાદ : આઈપીએલ ૨૦૨૬નો જાદુ હવે ગુજરાતના ગઢ ગણાતા અમદાવાદમાં પ્રસરી રહ્યો છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સીઝનનો પ્રથમ ધમાકેદાર મુકાબલો રમાવા જઈ રહ્યો છે, જેમાં સ્થાનિક ફેવરિટ ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) અને મજબૂત રાજસ્થાન રોયલ્સ (RR) આમને-સામને ટકરાશે. એકતરફ શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ગુજરાતની ટીમ પંજાબ સામેની હારનો બદલો લેવા અને ઘરઆંગણે પ્રથમ જીત નોંધાવવા આતુર છે, તો બીજી તરફ રિયાન પરાગની આગેવાનીમાં રાજસ્થાનની ટીમ પોતાની વિજયી લય જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.
અમદાવાદની પિચના મિજાજની વાત કરીએ તો, અહીં હંમેશા બેટ અને બોલ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે. જોકે, આ સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન મનાય છે. પિચ પર મળતો સારો ઉછાળો (Bounce) બેટ્સમેનોને આત્મવિશ્વાસ સાથે મોટા શોટ્સ રમવાની તક આપે છે. શરૂઆતની ઓવરોમાં મોહમ્મદ સિરાજ અને જોફ્રા આર્ચર જેવા ઝડપી બોલરોને હવામાં સ્વીંગ મળી શકે છે, પરંતુ એકવાર જો બેટ્સમેન સેટ થઈ જાય, તો રનનો વરસાદ થવો નક્કી છે. નિષ્ણાતોના મતે આજની મેચમાં ૨૦૦ પ્લસનો સ્કોર જોવા મળે તો નવાઈ નહીં.
આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, અમદાવાદમાં અત્યાર સુધી રમાયેલી ૪૪ આઈપીએલ મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર અને લક્ષ્યનો પીછો કરનાર બંને ટીમોએ ૨૨-૨૨ વાર જીત મેળવી છે. એટલે કે, ટોસ જીતનારી ટીમ માટે નિર્ણય લેવો થોડો પડકારજનક હોઈ શકે છે. જોકે, ઝાકળ (Dew) ના પરિબળને ધ્યાનમાં રાખીને કેપ્ટન ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. ગુજરાત પાસે રાશિદ ખાન જેવો કરિશ્માઈ સ્પિનર છે, તો રાજસ્થાન પાસે રવિન્દ્ર જાડેજા અને રવિ બિશ્નોઈની જોડી છે, જે મધ્ય ઓવરોમાં રમતનો પલટો લાવી શકે છે. આજનો આ રોમાંચક જંગ રમતપ્રેમીઓ માટે ચોગ્ગા-છગ્ગાની મિજબાની સમાન બની રહેશે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
