તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
વિરાટ કોહલી 'વિદેશી ખેલાડી' છે? લંડન શિફ્ટ થવા બદલ થતી ટીકાઓ પર કિંગ કોહલીએ મૌન તોડ્યું, ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
IPL 2026 માં RCB ના ટાઇટલ ડિફેન્સ માટે કોહલી સજ્જ: મિસ્ટર નાગ્સે પાંચ વિદેશી ખેલાડીઓ અંગે કર્યો કટાક્ષ, વિરાટે હસતા મોઢે કહ્યું- "હું વિદેશી નથી, જઈને બીજાને પૂછો"

બેંગલુરુ : ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના પ્રાણ સમાન વિરાટ કોહલી ફરી એકવાર મેદાન પર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. IPL 2026 ની શરૂઆતની મેચમાં જ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેચ-વિનિંગ ઇનિંગ રમીને કોહલીએ સાબિત કરી દીધું છે કે ભલે તે મેદાનથી દૂર હોય, પણ તેનું ફોર્મ ક્યારેય સાથ છોડતું નથી. જોકે, આ વખતે વિરાટ માત્ર રમતને કારણે જ નહીં, પરંતુ મેદાન બહારની તેની જીવનશૈલીને કારણે પણ સોશિયલ મીડિયા પર ચર્ચા અને ટીકાનો વિષય બન્યા છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે લંડનમાં વધુ સમય વિતાવી રહ્યા છે. ભારતમાં સતત સ્પોટલાઇટ અને મીડિયાના કેમેરાથી દૂર રહેવા માટે તેમણે લંડનને પોતાનો નવો 'બેઝ' બનાવ્યો હોય તેમ લાગે છે. આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમને 'વિદેશી ખેલાડી' કહીને ટ્રોલ કરી રહ્યા છે. તાજેતરમાં RCB ના એક વિડિયોમાં જ્યારે લોકપ્રિય પાત્ર 'મિસ્ટર નાગ્સ' (દાનિશ સૈત) એ કટાક્ષ કર્યો કે, "લોકો કહી રહ્યા છે કે RCB પાંચ વિદેશી ખેલાડીઓ સાથે રમી રહી છે," ત્યારે કોહલીએ ખૂબ જ ચતુરાઈથી જવાબ આપ્યો હતો. વિરાટે સ્મિત સાથે વળતો પ્રહાર કરતા કહ્યું, "શું હું વિદેશી ખેલાડી છું? મને ખબર નથી, તમે મને કેમ પૂછો છો? જઈને અસલી વિદેશી ખેલાડીઓને પૂછો."
ગયા વર્ષે (IPL 2025) RCB ને પહેલીવાર આઈપીએલનું ટાઇટલ અપાવ્યા બાદ કોહલી અત્યંત હળવાશ અનુભવી રહ્યા છે. તેમણે પોતાની ૧૮ વર્ષની લાંબી રાહ અને સખત મહેનત વિશે વાત કરતા કહ્યું કે, વિજય એ વર્ષોના બલિદાન અને પ્રતિબદ્ધતાનું પરિણામ છે. કોહલીના મતે, જીત તમને એ વાતની ખાતરી આપે છે કે તમે તમારો સમય બગાડ્યો નથી અને તે વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. હાલમાં લંડનથી સીધા ભારત આવીને જે રીતે કોહલી રન મશીન બનીને રમી રહ્યા છે, તે જોઈને તેના ચાહકો ગદગદિત થઈ ગયા છે અને ટીકાકારોના મોઢા બંધ થઈ ગયા છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
