<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સનો દિલ્હી સામે ધબડકો, 'પલટન'ની હારના 5 અસલી ગુનેગાર કોણ? ગત મેચના હીરો જ વિલન સાબિત થયા

દિલ્હી કેપિટલ્સે ૧૮.૧ ઓવરમાં જ મુંબઈને પછાડ્યું: શાર્દુલ ઠાકુર અને રિયાન રિકેલટન જેવા સ્ટાર્સનું ખરાબ પ્રદર્શન ભારે પડ્યું, કેચ છોડવો અને નબળી બોલિંગ હારનું મુખ્ય કારણ

મુંબઈ : IPL 2026 ની ૮મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને ફરી એકવાર નિરાશા સાંપડી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે શાનદાર જીત સાથે સીઝનની શરૂઆત કરનાર મુંબઈની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. દિલ્હીએ માત્ર ૧૮.૧ ઓવરમાં ૬ વિકેટે મેચ જીતીને મુંબઈની નબળાઈઓ છતી કરી દીધી છે. આ હારમાં મુંબઈના એવા પાંચ ખેલાડીઓ ખલનાયક સાબિત થયા છે, જેમના પર મેચ જીતાડવાની મોટી જવાબદારી હતી.
સૌથી મોટો આઘાત ગત મેચના હીરો શાર્દુલ ઠાકુર અને રિયાન રિકેલટને આપ્યો છે. KKR સામે 'મેન ઓફ ધ મેચ' બનેલા શાર્દુલ ઠાકુર આ મેચમાં ૩ ઓવરમાં ૪૧ રન લૂંટાવીને સૌથી મોંઘા સાબિત થયા હતા. તેવી જ રીતે, ઓપનિંગમાં આક્રમક બેટિંગ માટે જાણીતા રિયાન રિકેલટન ૧૧ બોલમાં માત્ર ૯ રન બનાવી પાવરપ્લેમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ત્રીજા નંબરે આવેલા તિલક વર્મા બીજા જ બોલે શૂન્ય રને આઉટ થતા મુંબઈના મધ્યક્રમ પર દબાણ વધી ગયું હતું.
બેટિંગ ઉપરાંત બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ મુંબઈની ટીમે અનેક ભૂલો કરી હતી. ઓલરાઉન્ડર કોર્બિન બોશે બેટિંગમાં ૧૧ રન બનાવ્યા પણ બોલિંગમાં ૩.૧ ઓવરમાં ૩૯ રન આપી દિલ્હીના બેટ્સમેનોનું કામ સરળ કરી દીધું હતું. ફિનિશર તરીકે આવેલા નમન ધીર પણ ૨૧ બોલમાં માત્ર ૨૮ રન બનાવી શક્યા, જેને કારણે ટીમ ૧૭૫ ના સન્માનજનક સ્કોર સુધી પણ પહોંચી શકી નહીં. વધુમાં, નમન ધીરે પથુમ નિસાન્કાનો એક મહત્વનો કેચ છોડ્યો હતો, જે અંતે હારનું મોટું કારણ બન્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની આ હાર બાદ સોશિયલ મીડિયા પર ફેન્સનો રોષ જોવા મળી રહ્યો છે.

(11:06 PM IST)