તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
આલોચકો પર વરસ્યા અજિંક્ય રહાણે: "લોકો મારી સફળતાની ઈર્ષ્યા કરે છે, મારો કોઈ એજન્ડા નથી"
સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવનારાઓને કેકેઆરના કેપ્ટને આપ્યો જડબાતોડ જવાબ, 200મી આઈપીએલ મેચના ઐતિહાસિક સીમાચિહ્ન વચ્ચે ટીકાકારોને રમતની સમજ ન હોવાનો રહાણેએ કર્યો મોટો દાવો

કોલકાતા : સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની કારમી હાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેનો પારો સાતમા આસમાને પહોંચ્યો છે. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં રહાણેએ તેના સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવનારા ટીકાકારો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જે લોકો મારી બેટિંગ શૈલીની ટીકા કરે છે તેઓ કાં તો રમત જોતા નથી અથવા તો મારી સફળતાની ઈર્ષ્યા કરે છે. 37 વર્ષીય રહાણેએ સ્પષ્ટ કર્યું કે તેની વિરુદ્ધ સોશિયલ મીડિયા અને મીડિયામાં એક ખાસ એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. રહાણેએ પોતાની રમતનો બચાવ કરતા કહ્યું કે તે કોઈના કહેવાથી પોતાની શૈલી બદલશે નહીં અને તે બરાબર જાણે છે કે ટીમ માટે કઈ રીતે યોગદાન આપવાનું છે.
પોતાની કારકિર્દીની 200મી આઈપીએલ મેચમાં માત્ર 8 રન બનાવી આઉટ થવા અંગે રહાણેએ બચાવ કરતા કહ્યું કે, માત્ર એક ઇનિંગના આધારે કોઈ ખેલાડીના ફોર્મનો નિર્ણય ન લેવો જોઈએ. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ફટકારેલી 67 રનની આક્રમક ઇનિંગનો હવાલો આપતા ટીકાકારોને યાદ અપાવ્યું હતું કે તે પાવરપ્લેમાં નિર્ભયતાથી બેટિંગ કરવાની ટીમની નીતિને વળગી રહ્યો છે. રહાણેએ ઉમેર્યું કે, "ઘણા લોકોએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું મારી રમતમાં આટલો સુધારો કરીશ, અને કદાચ આ જ બાબત તેમને પચી રહી નથી." હૈદરાબાદ સામે 65 રનથી મળેલી હાર બાદ કેકેઆર પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને સરકી ગયું છે, જેના કારણે કેપ્ટન પર દબાણ વધ્યું હોય તેમ જણાય છે.
નોંધનીય છે કે અજિંક્ય રહાણે આઈપીએલ ઇતિહાસમાં 200 મેચ રમનાર 11મો ખેલાડી બનીને એક ખાસ ક્લબમાં સામેલ થયો છે. 2008થી અત્યાર સુધીમાં તે મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ જેવી કુલ છ ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. લીગમાં 5000 થી વધુ રન અને 34 અડધી સદી ફટકારનાર રહાણેએ આંકડાઓ સાથે સાબિત કર્યું છે કે તે આ ફોર્મેટનો અનુભવી ખેલાડી છે. છતાં, હૈદરાબાદ સામેની હાર અને પોઈન્ટ ટેબલમાં ટીમની કથળતી સ્થિતિએ કેપ્ટન અને ટીકાકારો વચ્ચેના આ યુદ્ધને વધુ તેજ બનાવી દીધું છે. રહાણેએ અંતમાં મક્કમતાથી કહ્યું કે તે પોતાની રમત અને કેપ્ટન્સીના નિર્ણય પર અડગ રહેશે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
