<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

શું સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ વચ્ચે ફરી પ્રેમ પાંગર્યો? વાયરલ વીડિયોએ ચાહકોમાં જગાવી પેચ-અપ અને લગ્નની નવી આશા

પરિવારો વચ્ચેની ઉષ્માભરી મુલાકાતે અટકળોનો દોર શરૂ કર્યો: પલક મુછલે સ્મૃતિના પિતાના આશીર્વાદ લેતા વીડિયો વાયરલ, લગ્ન રદ થયાના મહિનાઓ બાદ ફરી ચર્ચામાં આવ્યું કપલ

રાજકોટ : ભારતીય મહિલા ક્રિકેટની શાન સ્મૃતિ મંધાના અને જાણીતા સંગીતકાર પલાશ મુછલ વચ્ચેના સંબંધો ફરી એકવાર ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક લેટેસ્ટ વીડિયોએ ચાહકોમાં એવી અટકળો તેજ કરી દીધી છે કે આ જોડી કદાચ ફરી સાથે આવી રહી છે. આ વીડિયોમાં સ્મૃતિના પિતા અને પલાશની બહેન, ગાયિકા પલક મુછલ વચ્ચેની સૌહાર્દપૂર્ણ મુલાકાત કેમેરામાં કેદ થઈ છે.
પરિવારોની નિકટતા અને આદરનો હાવભાવ
વાયરલ ક્લિપમાં જોવા મળે છે કે પલક મુછલ અને તેના પતિ મિથુન, સ્મૃતિ મંધાનાના પિતા સાથે ખૂબ જ ઉષ્માપૂર્વક વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન પલક આદરપૂર્વક સ્મૃતિના પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતી જોવા મળી હતી. આ ક્ષણને ચાહકો બંને પરિવારો વચ્ચેના સુધરેલા સંબંધોના સંકેત તરીકે જોઈ રહ્યા છે. ઘણા નેટિઝન્સ સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે શું આ કપલ વચ્ચે ખરેખર પેચ-અપ થઈ ગયું છે?
લગ્ન રદ થયાનો આઘાત
નોંધનીય છે કે સ્મૃતિ અને પલાશના લગ્ન ૨૩ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ નક્કી થયા હતા. જોકે, લગ્નના એક દિવસ પહેલા જ અચાનક આ સમારોહ રદ કરવામાં આવતા ચાહકોને મોટો આઘાત લાગ્યો હતો. તે સમયે બંનેએ પોતપોતાની રીતે અલગ થવાની પુષ્ટિ કરી હતી અને પ્રાઈવસી જાળવવાની અપીલ કરી હતી. લગ્ન પૂર્વેની તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ લેવાયેલા એ નિર્ણયે ભારે ચર્ચા જગાવી હતી.
સત્તાવાર પુષ્ટિની પ્રતીક્ષા
લગ્ન રદ થયા બાદ સ્મૃતિ મંધાનાએ ક્રિકેટના મેદાનમાં અને પલાશ મુછલે પોતાના સંગીતના પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે, આ તાજેતરની મુલાકાતે ફરી એકવાર જૂની વાતો તાજી કરી દીધી છે. અત્યાર સુધી સ્મૃતિ કે પલાશ તરફથી ફરી સાથે આવવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ચાહકો આતુરતાથી કોઈ સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે.
ક્રિકેટ અને ગ્લેમરની દુનિયાના આ બે મોટા નામ ફરી એક છત નીચે આવશે કે કેમ, તે તો આવનારો સમય જ જણાવશે, પણ હાલ તો આ 'વાયરલ ક્ષણ' ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

(6:31 PM IST)