<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

કે.એલ. રાહુલે બનાવ્‍યો અનોખો રેકોર્ડઃ ૩ વાર ૧૦૦ રને આઉટ થનાર ભારતીય બેટર બન્‍યો

ઇંગ્‍લેન્‍ડેના સર લિયોનાર્ડ હટન ૪ વાર સેન્‍ચ્‍યુરી બનાવી આઉટ થયા છેઃ સચીન-ગાંગુલી બે-બે વાર ૧૦૦ રને આઉટ થયેલ

ચંદીગઢઃ ક્રિકેટ જગતમાં 'હંડ્રેડ એન્ડ આઉટ' વાક્ય ઘણું પ્રખ્યાત છે, જેનો અર્થ થાય છે કે બેટર સદી પૂરી કરીને તરત જ પોતાની વિકેટ ગુમાવી બેસે. પરંતુ હવે આ વાક્ય વૈશ્વિક સ્તરે ભારતીય સ્ટાર બેટર કે.એલ. રાહુલ સાથે જોડાઈ ગયું છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા જ દિવસે રાહુલે એક એવો અનોખો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષથી વધુના ઇતિહાસમાં કોઈ પણ બેટર ક્યારેય બનાવી શક્યો નથી.
આ અનોખી ઇનિંગ સાથે જ કે.એલ. રાહુલે ભારત અને વિશ્વ ક્રિકેટમાં ઘણાં મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વખત બરાબર 100 રન પર આઉટ થનાર કે.એલ. રાહુલ પ્રથમ ભારતીય બેટર બન્યો છે. અગાઉ આ રેકોર્ડ સંયુક્ત રીતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે હતો, જેઓ કરિયરમાં બે વાર બરાબર 100 રને આઉટ થયા હતા. વિશ્વ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો અને ગ્રીમ વુડ 3-3 વાર તેમજ ઇંગ્લેન્ડના સર લિયોનાર્ડ હટન 4 વાર બરાબર 100 રને આઉટ થવાનો રેકોર્ડ ધરાવે છે.
જોકે આ તમામ દિગ્ગજો અલગ-અલગ સમયે 100 રને આઉટ થયા હતા, જ્યારે કે.એ.લ રાહુલે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સતત ત્રણ ઇનિંગ્સમાં બરાબર 100 રન બનાવીને આઉટ થવાની અનોખી હેટ્રિક નોંધી છે. આ અવિશ્વસનીય સાતત્યતાએ રાહુલને ક્રિકેટના ઇતિહાસના પાનાઓ પર અમર કરી દીધો છે.

(2:39 PM IST)