<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ટ્રાઈ સિરીઝ : ગાયકવાડની સદી અને તિલકની ફિફ્‌ટી, ઇન્‍ડિયાએ ટીમે શ્રીલંકા સામે ખડકયો ૨૭૭/૬નો મજબૂત સ્‍કોર

યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી સસ્‍તામાં આઉટ : શરૂઆતી ધબડકા બાદ ઋતુરાજ-તિલકની ૧૫૦ રનની ભાગીદારીથી ભારતીય ટીમની ધમાકેદાર વાપસી

દામ્‍બુલાઃ શ્રીલંકાની ધરતી પર શરૂ થયેલી ત્રિપાંખીયા (ટ્રાઈ) સિરીઝ ૨૦૨૬ની પ્રથમ વન-ડે મેચમાં ઇન્‍ડિયા ‘એ' ટીમે યજમાન શ્રીલંકા‘એ'  સામે ૬ વિકેટે ૨૭૭ રનનો મજબૂત પડકાર ઊભો કર્યો છે. કેપ્‍ટન તિલક વર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટીમની શરૂઆત આશાસ્‍પદ રહી નહોતી. ખાસ કરીને તાજેતરમાં ભારે ચર્ચામાં રહેલો ૧૫ વર્ષનો યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી આ મેચમાં સંપૂર્ણપણે ફેલ સાબિત થયો હતો અને માત્ર ૧૪ રન (૧૨ બોલ, ૩ ચોગ્‍ગા) બનાવીને સસ્‍તામાં આઉટ થઈ ગયો હતો. તેની પાછળ પ્રભસિમરન સિંહ પણ માત્ર ૨ રન બનાવી પેવેલિયન ભેગો થતાં ભારતે ૧૭ રનમાં જ બે મહત્‍વની વિકેટો ગુમાવી દીધી હતી. પ્રિયાંશ આર્યાએ ૩૨ રનનું યોગદાન આપ્‍યું હતું પરંતુ તે પણ મોટી ઇનિંગ રમી શકયો નહોતો અને ભારત એક સમયે ૬૯ રન પર ૩ વિકેટ ગુમાવી ભારે દબાણમાં આવી ગયું હતું. આ મુશ્‍કેલ પરિસ્‍થિતિમાં અનુભવી બેટ્‍સમેન ઋતુરાજ ગાયકવાડ અને કેપ્‍ટન તિલક વર્માએ મોરચો સંભાળ્‍યો હતો. બંનેએ શ્રીલંકન બોલરોનો મક્કમતાથી સામનો કરીને ચોથી વિકેટ માટે ૧૫૦ રનની મેચ વિનિંગ ભાગીદારી નોંધાવી હતી. ઋતુરાજ ગાયકવાડે ક્‍લાસિક બેટિંગનું -દર્શન કરતા ૧૧૪ બોલમાં ૧૦૧ રનની શાનદાર સદી ફટકારી હતી. જ્‍યારે કેપ્‍ટન તિલક વર્માએ પણ એક છેડો સાચવી રાખીને ૯૭ બોલમાં ૬૦ રનની કેપ્‍ટનશીપ ઇનિંગ રમી હતી. આ બંને સેટ બેટ્‍સમેનો આઉટ થયા બાદ અંતિમ ઓવરોમાં આયુષ બદોની (૨૪ રન) અને સૂર્યાંશ શેડગેએ તોફાની બેટિંગ કરી હતી. શેડગેએ માત્ર ૧૪ બોલમાં ૨ છગ્‍ગા અને ૧ ચોગ્‍ગાની મદદથી અણનમ ૨૬ રન ઝૂડી કાઢીને ઇન્‍ડિયા‘એ'  નો સ્‍કોર નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૭૭ રન સુધી પહોંચાડ્‍યો હતો.

  શ્રીલંકા તરફથી મોહમ્‍મદ શિરાઝે ૨ વિકેટ ઝડપી હતી. શ્રીલંકા‘એ' ટીમને આ મેચ જીતવા માટે ૨૭૮ રનનો ટાર્ગેટ મળ્‍યો છે.

(3:25 PM IST)