તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
નાઈટક્લબ કાંડમાં ફસાયા કેપ્ટન બેન સ્ટોક્સ અને એટકિન્સન: ઓવલ ટેસ્ટમાંથી કરાયા બહાર, હવે જો રૂટ ફરી સંભાળશે ઈંગ્લેન્ડની કમાન!
ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા મધ્યરાત્રિનો કર્ફ્યુ તોડી મોડી રાત સુધી ક્લબમાં પાર્ટી કરવી ભારે પડી, ECB એ તપાસ શરૂ કરતા ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ.

લંડન, : ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે શાનદાર જીત મેળવ્યા બાદ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ટીમના નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને એક નાઈટક્લબમાં થયેલી વિવાદાસ્પદ ઘટના બાદ આગામી ઓવલ ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ વિવાદ બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ વચગાળાના કેપ્ટન તરીકે ફરી એકવાર દિગ્ગજ બેટ્સમેન જો રૂટને કમાન સોંપી છે.
શું છે સમગ્ર નાઈટક્લબ વિવાદ?
મળતી માહિતી મુજબ, લોર્ડ્સ ટેસ્ટ જીત્યાની ખુશીમાં કેપ્ટન બેન સ્ટોક્સ અને ગુસ એટકિન્સન સોમવારે (8 જૂન) વહેલી સવાર સુધી લંડનની એક નાઈટક્લબમાં પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઈંગ્લેન્ડ ટીમના મધ્યરાત્રિના કર્ફ્યુ (Midnight Curfew) ના નિયમોનો સરેઆમ ભંગ કર્યો હતો. આ પાર્ટી દરમિયાન મામલો ત્યારે વધુ બિચક્યો જ્યારે ત્યાં હાજર સારાસેન્સ રગ્બી ક્લબના ખેલાડી ટોટુઆ અવાવે સ્ટોક્સ અને એટકિન્સનની સુરક્ષામાં તૈનાત ECB ના ઓફિસરને મુક્કો મારી દીધો હતો. આ ઘટના બાદ ECB એ કડક વલણ અપનાવ્યું છે અને બંને ખેલાડીઓ સામે તપાસ શરૂ કરી છે.
ECB એ લીધા કડક પગલાં, રૂટની ધમાકેદાર વાપસી
ક્રિકેટ બોર્ડે સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે તપાસ ચાલુ હોવાથી સ્ટોક્સ અને એટકિન્સન બીજી ટેસ્ટ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ વિવાદના કારણે હવે 17 જૂનથી ઓવલ ખાતે શરૂ થનારી બીજી ટેસ્ટમાં જો રૂટ કેપ્ટન તરીકે વાપસી કરશે. વર્ષ 2022 માં કેપ્ટનશીપ છોડ્યા બાદ રૂટ ફરી એકવાર ઈંગ્લેન્ડની કમાન સંભાળશે. રસપ્રદ વાત એ છે કે, વ્હાઇટ બોલના કેપ્ટન હેરી બ્રુક રેસમાં હોવા છતાં અનુભવી જો રૂટ પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
ટીમમાં બે મોટા ફેરફાર: જોફ્રા આર્ચરની એન્ટ્રી
આ વિવાદના કારણે ઈંગ્લેન્ડની ટીમમાં ઓવલ ટેસ્ટ માટે બે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયેલા સ્ટોક્સ અને એટકિન્સનના સ્થાને વિકેટકીપર-બેટ્સમેન જોર્ડન કોક્સ અને ઘાતક ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આર્ચર IPL માં રમીને પરત ફર્યા બાદ પ્રથમ ટેસ્ટમાં આરામ પર હતો, પરંતુ હવે તે મેદાન પર આગ ઓકવા તૈયાર છે.
બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ આ પ્રમાણે છે:
જો રૂટ (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, સોની બેકર, શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, જોર્ડન કોક્સ, બેન ડકેટ, મેથ્યુ ફિશર, એમિલિયો ગે, જેમ્સ રેવ, ઓલી રોબિન્સન, જેમી સ્મિથ, જોશ ટંગ.
નોંધનીય છે કે, જો રૂટે અગાઉ રેકોર્ડ 64 ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી ટીમે 27 માં જીત મેળવી છે. હાલમાં ઈંગ્લેન્ડની ટીમ ત્રણ મેચની આ શ્રેણીમાં 1-0 થી આગળ છે, પરંતુ મેદાનની બહારના આ વિવાદે ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ ચોક્કસપણે વધારી દીધી છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
