તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
દાંબુલામાં ભારતીય બેટર્સનું વાવાઝોડું: પ્રભસિમરન, તિલક અને રુતુરાજની ફિફટી, અફઘાનિસ્તાન સામે ૩૪૯ રનનો પહાડ
ત્રિકોણીય વન-ડે શ્રેણીમાં ઇન્ડિયા ‘A' નો દબદબોઃ ઓપનર વૈભવની તોફાની શરૂઆત બાદ મધ્યક્રમે અફઘાન બોલર્સને નિર્દયતાથી ધોયા, અહમદઝાઈની ૫ વિકેટ પણ એળે ગઈ

દાંબુલાઃ શ્રીલંકાની ધરતી પર રમાઈ રહેલી ત્રિકોણીય વન-ડે શ્રેણીમાં ગુરુવારે ભારતીય A ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા અફઘાનિસ્તાન 'A' સામે રનનો વિશાળ ડુંગર ખડકી દીધો છે. દાંબુલા ખાતે રમાયેલી આ રોમાંચક મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિગ કરવા ઉતરેલી ભારતીય ટીમે વરસાદના કારણે ૪૯ ઓવરની કરાયેલી મેચમાં ૯ વિકેટે ૩૪૯ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ભારત વતી ઓપનર પ્રભસિમરન સિહ, કેપ્ટન તિલક વર્મા અને વાઇસ કેપ્ટન રુતુરાજ ગાયકવાડે શાનદાર અર્ધસદીઓ ફટકારીને મેચ પર ભારતની પકડ મજબૂત કરી દીધી હતી.
મેચની શરૂઆતમાં પીચ પર ભેજ હોવા છતાં ભારતીય ઓપનર્સ અફઘાનિસ્તાનના બોલિગ આક્રમણ પર તૂટી પડ્યા હતા. ખાસ કરીને યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ માત્ર ૨૨ બોલમાં ૯ ચોગ્ગાની મદદથી ૪૪ રનની આક્રમક ઇનિગ રમીને અફઘાન કેમ્પમાં ફફડાટ ફેલાવી દીધો હતો. વૈભવ અને પ્રભસિમરને માત્ર ૭.૧ ઓવરમાં ૭૪ રનની તોફાની ઓપનિગ પાર્ટનરશિપ કરી ભારતને મજબૂત પાયો આપ્યો હતો. વૈભવ આઉટ થયા બાદ પણ પ્રભસિમરને એક છેડો સાચવી રાખ્યો હતો અને મેદાનની ચારેય બાજુ આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા. તેણે માત્ર ૬૯ બોલમાં ૧૪ ચોગ્ગા સાથે ૮૪ રનની શાનદાર ઇનિગ રમી હતી, જોકે તે કમનસીબે પોતાની સદી ચૂકી ગયો હતો.
પ્રભસિમરન આઉટ થયા બાદ મધ્યક્રમમાં રુતુરાજ ગાયકવાડ અને કેપ્ટન તિલક વર્માએ ઇનિગને ખૂબ જ જવાબદારીપૂર્વક આગળ ધપાવી હતી. રુતુરાજે ૮૦ બોલમાં ૬૬ રન (૫ ચોગ્ગા) અને કેપ્ટન તિલકે ૭૩ બોલમાં ૬૬ રન (૩ ચોગ્ગા, ૧ છગ્ગો) ફટકાર્યા હતા. આ બંને ક્લાસિક બેટર્સે ચોથી વિકેટ માટે ૭૮ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને સ્કોરને ૩૦૦ની પાર પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો હતો. ઇનિગના અંતિમ ભાગમાં સૂર્યાંશ શેડગેએ પણ ૨૭ બોલમાં ૪૦ રનની ઉપયોગી કેમિયો ઇનિગ રમીને સ્કોરને ૩૪૯ સુધી પહોંચાડ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી મધ્યમ ગતિના બોલર અબ્દુલ્લા અહમદઝાઈએ ૬૮ રન આપીને ૫ વિકેટ ઝડપી ભારતીય રનગતિ પર અંકુશ લાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ફરમાનુલ્લા સફીને ૩ વિકેટ મળી હતી. જોકે, ભારતીય બેટર્સની આક્રમકતા સામે અફઘાન ટીમ રન રોકવામાં નિષ્ફળ રહી હતી અને ભારતે જીતવા માટે ૩૫૦ રનનો કપરો લડાયક લક્ષ્યાંક મૂક્યો છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
