<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

અવની ચાવડાની ભારતીય મહિલા અન્‍ડર-૧૯ ટી૨૦ ટીમમાં પસંદગી : શ્રીલંકા સામે ટકરાશે

બોટાદની આશાસ્‍પદ રાઈટ આર્મ ઓફ સ્‍પિનર અવનીએ સૌરાષ્‍ટ્રનું ગૌરવ વધાર્યું : ચેન્નાઈમાં ૨૨ જૂનથી રમાશે દ્વિપક્ષીય શ્રેણી

રાજકોટ : સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે આજનો દિવસ વધુ એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ લઈને આવ્‍યો છે. સૌરાષ્‍ટ્રની આશાસ્‍પદ અને પ્રતિભાશાળી યુવા જમણા હાથની ઓફ-સ્‍પિનર ‘અવની ચાવડા'ની આગામી શ્રીલંકા સામેની ટી૨૦ દ્વિપક્ષીય શ્રેણી માટે ભારતની મહિલા અન્‍ડર-૧૯ ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

મૂળ બોટાદની વતની એવી અવની ચાવડાએ અત્‍યાર સુધી વિવિધ ફોર્મેટમાં ટીમ સૌરાષ્‍ટ્રનું શાનદાર પ્રતિનિધિત્‍વ કર્યું છે, જેમાં અન્‍ડર-૧૭ ટૂર્નામેન્‍ટ, અન્‍ડર-૧૯ ટી૨૦ અને વન-ડે, અન્‍ડર-૨૩ વન-ડે તેમજ સિનિયર ટી૨૦ ટૂર્નામેન્‍ટ્‍સનો સમાવેશ થાય છે. ભારતની આ મહિલા અન્‍ડર૧૯ ટી૨૦ ટીમની કમાન ભાવિકા આહિરે (કેપ્‍ટન અને વિકેટકીપર) સંભાળશે. ભારતીય ટીમમાં ઇરા જાધવ, તનિષ્‍કા શર્મા, ઇશ્વરી અવસરે, અવની ચાવડા, મહતો નિધિ, પૂર્વા સિવાય, કુમારી પલક, મહક નરવાસે (વાઇસ કેપ્‍ટન), કાશવી કંદિકુપ્‍પા, મણિયાર મૈત્રી, ગોવિકા, દેવી અને ગોવિકા (વિકેટકીપર) નો સમાવેશ થાય છે.

ભારત અને શ્રીલંકા વચ્‍ચેની આ ટી૨૦ સીરીઝની ત્રણેય રોમાંચક મેચો આગામી ૨૨, ૨૪ અને ૨૭ જૂનના રોજ ચેન્નાઈ ખાતે રમાશે.

અવનીની આ અભૂતપૂર્વ સફળતા બદલ બીસીસીઆઈના ભૂતપૂર્વ માનદ સચિવ શ્રી નિરંજનભાઇ શાહે ખુશી વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, ‘‘આ સિદ્ધિ માત્ર અવનીના સમર્પણ અને અસાધારણ પ્રતિભાને જ નહીં, પરંતુ નવી તકો ઊભી કરવા અને મહત્‍વકાંક્ષી મહિલા ક્રિકેટરો માટે એક મજબૂત પ્‍લેટફોર્મ પૂરું પાડવા માટેના એસોસિએશનના સતત પ્રયાસોને પણ પ્રતિબિંબિત કરે છે. તેમની સફળતા પ્રદેશની અસંખ્‍ય યુવતીઓ માટે પ્રેરણારૂપ છે, જેઓ ભારતીય જર્સી પહેરીને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પોતાની છાપ છોડવાનું સ્‍વપ્ન જુએ છે.''

આ સાથે જ, બીસીસીઆઈના એપેક્‍સ કાઉન્‍સિલ સભ્‍ય અને સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી જયદેવ શાહે હર્ષ વ્‍યક્‍ત કરતા કહ્યું કે, ‘‘શ્રીલંકા સામેની શ્રેણી માટે ભારતની મહિલા અન્‍ડર-૧૯ ટીમમાં અવની ચાવડાની પસંદગી સૌરાષ્‍ટ્ર ક્રિકેટ માટે એક ગર્વનો સીમાચિホરૂપ છે. આ પ્રદેશમાં મહિલા ક્રિકેટ માટે એક મહત્‍વપૂર્ણ સફળતા છે, કારણ કે અવની આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ટીમ ઈન્‍ડિયાનું પ્રતિનિધિત્‍વ કરવાનું સન્‍માન મેળવનારી સૌરાષ્‍ટ્રની પ્રથમ યુવા મહિલા ક્રિકેટરોમાંની એક બની છે.'' 

નિરંજનભાઇ શાહ, જયદેવ શાહ સહિતના સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસો.ના સભ્‍યોએ અભિનંદન આપ્‍યા

 

(3:47 PM IST)