તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
કિંગ કોહલીનો દબદબો ખતમ! રુતુરાજ ગાયકવાડે રચ્યો નવો ઈતિહાસ, વિરાટનો વર્લ્ડ રેકોર્ડ તોડીને ક્રિકેટ જગતમાં બન્યો 'વર્લ્ડ નંબર-1' બેટ્સમેન
શ્રીલંકાની ધરતી પર રુતુરાજનું રુદ્રરૂપ: અફઘાનિસ્તાન સામે ૬૬ રનની ધમાકેદાર ઇનિંગ રમીને લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી વધુ એવરેજ ધરાવતો વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો

દાંબુલા, તા.૧૧: ક્રિકેટ જગતમાં રન મશીન વિરાટ કોહલીના રેકોર્ડ્સ તોડવા એ કોઈ પણ બેટ્સમેન માટે હિમાલય ચડવા સમાન ગણાય છે, પરંતુ ભારતની રન મશીન ગણાતા સ્ટાર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડે આ અશક્ય લાગતો રેકોર્ડ પોતાના નામે કરીને વિશ્વ ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી છે. શ્રીલંકામાં રમાઈ રહી રહેલી ત્રિ-રાષ્ટ્રીય શ્રેણીમાં ઇન્ડિયા-એ તરફથી રમતા રુતુરાજ ગાયકવાડે અફઘાનિસ્તાન-એ સામે ૬૬ રનની શાનદાર અડધી સદી ફટકારીને કિંગ કોહલીનો એક મોટો વૈશ્વિક રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો છે. આ ઇનિંગ સાથે જ રુતુરાજ લિસ્ટ-એ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ બેટિંગ સરેરાશ (Average) ધરાવતો વિશ્વનો નંબર-૧ બેટ્સમેન બની ગયો છે.
આ મેચ પહેલા લિસ્ટ-એ ક્રિકેટમાં (ઓછામાં ઓછા ૫,૦૦૦ રન) સૌથી શ્રેષ્ઠ સરેરાશનો વર્લ્ડ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. પરંતુ અફઘાનિસ્તાન સામે રમેલી ૬૬ રનની ઇનિંગ બાદ રુતુરાજ ગાયકવાડના લિસ્ટ-એ ક્રિકેટમાં કુલ ૫,૨૨૭ રન થઈ ગયા છે અને તેની બેટિંગ સરેરાશ પ્રભાવશાળી ૫૯.૩૯ પર પહોંચી ગઈ છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે છે. આ સાથે જ ૫૭.૯૧ ની સરેરાશ સાથે ૧૬,૪૪૭ રન બનાવનાર વિરાટ કોહલી હવે આ યાદીમાં બીજા સ્થાને સરકી ગયો છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ માઈકલ બેવન (૫૭.૮૬) ત્રીજા અને ભારતના ચેતેશ્વર પૂજારા (૫૭.૦૧) ચોથા સ્થાને છે.
દાંબુલામાં ભારતીય બેટ્સમેનોનો તરખાટ: અફઘાનિસ્તાનને આપ્યો ૩૫૦ રનનો ટાર્ગેટ
મેચની વાત કરીએ તો, દામ્બુલામાં રમાઈ રહેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં વરસાદના વિઘ્ન બાદ અફઘાનિસ્તાન-એ ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે, ભારતીય ઓપનર્સે અફઘાન બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ માત્ર ૨૧ બોલમાં ૪૪ રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે પ્રભસિમરન સિંહે ૬૯ બોલમાં ૮૪ રન ફટકારીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.
પ્રભસિમરન સદી ચૂકી ગયા બાદ રુતુરાજ ગાયકવાડે ક્રીઝ પર આવીને મોરચો સંભાળ્યો હતો અને ૬૬ રન બનાવીને ટીમને વિશાળ સ્કોર તરફ આગળ ધપાવી હતી. કેપ્ટન તિલક વર્માએ પણ સુકાની ઇનિંગ રમતા ૬૬ રનનું યોગદાન આપ્યું હતું. આ આક્રમક બેટિંગના જોરે ભારતીય ટીમે નિર્ધારિત ઓવરોમાં અફઘાનિસ્તાન સામે જીતવા માટે ૩૫૦ રનનો વિશાળ અને પહાડ જેવો લક્ષ્યાંક રાખ્યો છે. અફઘાનિસ્તાન તરફથી અબ્દુલ્લા અહમદઝાઈએ પાંચ વિકેટ ઝડપી હતી. જોકે, ભીના આઉટફિલ્ડના કારણે મેચમાં થોડીવાર માટે વિક્ષેપ પડ્યો હતો.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
