News of Thursday, 11th June 2026
"ખરેખર?? ૬૦ વર્ષમાં પ્રથમ?" ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ કેપ્ટન લિસા સ્થાલેકરે સોશિયલ મીડિયા પર ફેન્સ અને મીડિયાની બોલતી બંધ કરી દીધી!
દિલ્હીમાં જન્મેલા નિખિલ ચૌધરીની ઓસ્ટ્રેલિયન ટીમમાં પસંદગી બાદ શરૂ થયેલા ખોટા દાવાની ખુદ હોલ ઓફ ફેમર લિસાએ ખોલી પોલ: જોય ભટ્ટાચાર્યએ પણ લગાવી ફટકાર

સિડની : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં તાજેતરમાં થયેલી એક નવી પસંદગીએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે, પરંતુ આ ચર્ચાની વચ્ચે એક મોટો ઐતિહાસિક વિવાદ પણ ઉભો થયો છે. ભારતની ધરતી પર જન્મેલા અને ઓસ્ટ્રેલિયામાં ઘરેલું ક્રિકેટમાં ધૂમ મચાવનારા ૨૯ વર્ષીય ઓલરાઉન્ડર નિખિલ ચૌધરીને બાંગ્લાદેશ સામેની આગામી ટી૨૦ (T20I) સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે. આ મોટી જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર મીડિયા હાઉસ અને ચાહકો દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે, નિખિલ ચૌધરી છેલ્લા ૬૦ વર્ષમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં પસંદ થનાર પ્રથમ ભારતીય મૂળનો ક્રિકેટર છે. જો કે, ઓસ્ટ્રેલિયાની પૂર્વ મહાન મહિલા કેપ્ટન અને આઇસીસી (ICC) હોલ ઓફ ફેમર લિસા સ્થાલેકરે આ દાવાઓ સામે કડક વાંધો ઉઠાવીને તેની હવા કાઢી નાખી છે.
દિલ્હીમાં જન્મેલા નિખિલ ચૌધરીને ૧૯૬૪ પછી ઓસ્ટ્રેલિયા તરફથી કોલ-અપ મેળવનાર પ્રથમ ભારતીય મૂળના ખેલાડી તરીકે દર્શાવતી એક સોશિયલ મીડિયા પોસ્ટ પર લિસા સ્થાલેકરે માત્ર એક સણસણતો સવાલ પૂછીને બધાને આઈનો બતાવી દીધો. લિસાએ ટિપ્પણી કરતા લખ્યું, "ખરેખર?? ૬૦ વર્ષમાં પ્રથમ." લિસાની આ ટૂંકી પણ ધારદાર ટિપ્પણીએ રમત જગતમાં લિંગ ભેદભાવ (Gender Bias) અને ક્રિકેટના ઈતિહાસ પ્રત્યેની અજ્ઞાનતા પર જોરદાર પ્રહાર કર્યો છે.
પૂણેમાં જન્મેલી લિસા સ્થાલેકર છે ઓસ્ટ્રેલિયાની અસલી સુપરસ્ટાર
લિસા સ્થાલેકરનો પોતાનો જન્મ ભારતની ધરતી પર એટલે કે મહારાષ્ટ્રના પૂણે શહેરમાં થયો હતો. બાળપણમાં જ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલી લિસાએ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટને સર્વોચ્ચ શિખર પર પહોંચાડવામાં પ્રણેતા તરીકેની ભૂમિકા ભજવી છે. એક દાયકા કરતાં પણ વધુ લાંબી અને શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે ઓસ્ટ્રેલિયા માટે ૧૨૫ વન-ડે, ૮ ટેસ્ટ અને ૫૪ ટી૨૦ મેચ રમી છે. તે અનેક વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમોની સભ્ય રહી છે અને બાદમાં તેણે રાષ્ટ્રીય ટીમનું સફળ નેતૃત્વ (કેપ્ટનશીપ) પણ કર્યું છે. વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં ૧,૦૦૦ રન અને ૧૦૦ વિકેટનો બેવડો રેકોર્ડ (ડબલ) કરનારી તે વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી. વર્ષ ૨૦૨૫ માં તેની આ અદભુત સિદ્ધિઓ બદલ તેને 'ICC હોલ ઓફ ફેમ' માં સામેલ કરવામાં આવી હતી.
લિસાના આ આક્રોશમાં આઈપીએલ ટીમ કેકેઆર (KKR) ના ભૂતપૂર્વ મેનેજર અને જાણીતા બ્રોડકાસ્ટર જોય ભટ્ટાચાર્ય પણ જોડાયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર મીડિયાની ઝાટકણી કાઢતા લખ્યું, "તમે એક વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અને હોલ ઓફ ફેમરને જ ભૂલી ગયા? અથવા તો શું દુનિયામાં માત્ર પુરુષો જ ક્રિકેટ રમે છે!"
પુરુષ ક્રિકેટના ઈતિહાસમાં નિખિલ ચૌધરી ચોક્કસપણે રચશે ઈતિહાસ
જો કે, આ આખા વિવાદ વચ્ચે પણ નિખિલ ચૌધરીની પસંદગી એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. જો નિખિલ બાંગ્લાદેશ સામે ડેબ્યૂ કરશે, તો તે ૧૯૬૦ ના દાયકામાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરનારા ચેન્નાઈમાં જન્મેલા રેક્સ સેલર્સ પછી ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી રમનાર પ્રથમ 'ભારતમાં જન્મેલો પુરુષ ક્રિકેટર' બનશે. સ્થાલેકરના વિરોધે સ્પષ્ટ કર્યું છે કે ઇતિહાસ લખતી વખતે ભારતમાં જન્મેલા ખેલાડીઓ, ભારતીય મૂળના ખેલાડીઓ અને પુરુષ કે મહિલા ક્રિકેટરો વચ્ચેના ભેદભાવને સરખો સમજવો જરૂરી છે, નહીંતર લિસા જેવી દિગ્ગજોનો અવાજ આવી જ રીતે ક્રિકેટ જગતને જગાડતો રહેશે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
