તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th June 2026
T20 મુંબઈ લીગની ફાઇનલમાં મેદાન પર તણાવપૂર્ણ વાતાવરણ અને ખેલાડીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી
વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચનો નિર્ણય છેલ્લી ઓવર અને છેલ્લી બોલ સુધી પહોંચ્યો :મરાઠા રોયલ્સે ARCS અંધેરીને 8 રને હરાવી સતત બીજી વખત ખિતાબ જીત્યો

મુંબઈ :T20 મુંબઈ લીગ 2026 ની ફાઇનલ ક્રિકેટપ્રેમીઓ માટે યાદગાર સાબિત થઈ. 13 જૂનના રોજ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મરાઠા રોયલ્સ અને ARCS અંધેરી આમને-સામને હતા. મેચ દરમિયાન ખેલાડીઓ પર ફાઇનલ જીતવાનું દબાણ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું, જેના કારણે મેદાન પર તણાવપૂર્ણ ક્ષણો અને ખેલાડીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ જોવા મળી હતી. અંતે મરાઠા રોયલ્સે 8 રને જીત મેળવી સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી.
ટોસ બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મરાઠા રોયલ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 154 રન બનાવ્યા. ટીમ માટે ચિન્મય રાજેશ સુતાર સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો. તેણે 52 બોલમાં 61 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી અને ટીમને સ્પર્ધાત્મક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. બીજી તરફ અર્જુન તેંડુલકરએ બોલિંગમાં અસરકારક પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં 36 રન આપીને 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. અર્જુને ઓપનર સચિન મધુકર યાદવ અને મધ્યક્રમના બેટ્સમેન અયાઝ ખાન પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
155 રનના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી ARCS અંધેરીએ શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો હતો. જોકે સમયાંતરે વિકેટો પડતા ટીમ પર દબાણ વધતું ગયું. મેચ અંતિમ બોલ સુધી પહોંચી હતી, જેના કારણે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ARCS અંધેરીની ટીમ 20 ઓવરમાં 146 રન સુધી જ પહોંચી શકી અને 8 રનથી મેચ હારી ગઈ. છેલ્લી ઓવરમાં ટીમને જીત માટે 14 રનની જરૂર હતી, પરંતુ મરાઠા રોયલ્સના બોલર રોહન રાજેએ શાનદાર બોલિંગ કરીને માત્ર 5 રન જ આપ્યા અને પોતાની ટીમને ઐતિહાસિક જીત અપાવી.
ફાઇનલ મેચના દબાણ વચ્ચે મેદાન પર તણાવ પણ જોવા મળ્યો હતો. ARCS અંધેરીની ઇનિંગ દરમિયાન 17.5મી ઓવરમાં તુષાર દેશપાંડેએ શિવમ દુબે ને આઉટ કર્યો હતો. ત્યારબાદ 18.3મી ઓવરમાં ઇરફાન ઉમૈરએ ગૌરવ જઠાર ની વિકેટ ઝડપી હતી. ગૌરવ જઠાર આઉટ થયા બાદ તેમની અને તુષાર દેશપાંડે વચ્ચે શાબ્દિક તકરાર (Verbal Spat) થઈ હતી. પરિસ્થિતિ વધુ ગંભીર બને તે પહેલાં ARCS અંધેરીના કેપ્ટન શિવમ દુબે ડગઆઉટ માંથી મેદાનમાં પહોંચ્યા અને બંને ખેલાડીઓને અલગ કરીને મામલો શાંત પાડ્યો હતો.
મેચની છેલ્લી ઓવરમાં 14 રન બચાવીને ટીમને જીત અપાવ્યા બાદ રોહન રાજેની ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ હતી. જીત નિશ્ચિત થતાં જ તેણે પોતાની જર્સી ઉતારીને મેદાનમાં દોડવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ મરાઠા રોયલ્સના અન્ય ખેલાડીઓ પણ તેની સાથે ઉજવણીમાં જોડાયા હતા. આ દ્રશ્યે વાનખેડે સ્ટેડિયમમાં હાજર દર્શકોમાં પણ જબરદસ્ત ઉત્સાહ ભરી દીધો હતો.
આ જીત સાથે મરાઠા રોયલ્સે માત્ર ફાઇનલ જીતવામાં જ સફળતા મેળવી નથી, પરંતુ પોતાના ચેમ્પિયન ખિતાબનું સફળતાપૂર્વક રક્ષણ પણ કર્યું છે. T20 મુંબઈ લીગના ઇતિહાસમાં સતત બીજી વખત ટ્રોફી જીતવી ટીમ માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. બીજી તરફ અર્જુન તેંડુલકર અને શિવમ દુબે જેવી પ્રતિભાશાળી ખેલાડીઓથી સજ્જ ARCS અંધેરીએ જોરદાર લડત આપી હતી, પરંતુ અંતિમ ક્ષણોમાં મેચ પોતાના પક્ષે ફેરવી શકી નહોતી. આ રોમાંચક મુકાબલો T20 મુંબઈ 2026ની સૌથી યાદગાર મેચોમાંથી એક તરીકે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. .
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
