<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

મેચ શરૂ થાય તે પહેલા જ ઇન્ડિયા 'એ' ને મોટો ફટકો: શ્રીલંકા 'એ' સામે ૧૦ રનની પેનલ્ટીથી સ્કોરબોર્ડમાં જોવા મળી આશ્ચર્યજનક સ્થિતિ!

ડામ્બુલામાં ભારતીય બેટ્સમેનોની ભૂલ પડી ભારે; અમ્પાયરની ચેતવણીને નજરઅંદાજ કરતા ટીમ ઇન્ડિયાને ભોગવવી પડી સજા, શ્રીલંકાના ખાતામાં મફતમાં ઉમેરાયા ૧૦ રન.

દાંબુલા | તા. 15 જૂન, 2026: ક્રિકેટના મેદાનમાં ઘણીવાર અણધારી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ ડામ્બુલામાં રમાયેલી ટ્રાય-નેશન સિરીઝની મેચમાં જે દ્રશ્ય જોવા મળ્યું તે ખરેખર દુર્લભ હતું. મેચની બીજી ઇનિંગ શરૂ થાય તે પહેલા જ શ્રીલંકા 'એ' ટીમનું સ્કોરબોર્ડ ૧૦/૦ બોલી રહ્યું હતું. આશ્ચર્યની વાત એ હતી કે, હજુ તો શ્રીલંકાના ઓપનરો ક્રિઝ પર આવ્યા નહોતા કે પહેલો બોલ ફેંકાયો નહોતો!
શું હતી ઇન્ડિયા 'એ' ની મોટી ભૂલ?
આ સમગ્ર વિવાદનું મૂળ હતું 'પિચના પ્રોટેક્ટેડ એરિયા' (Danger Zone) માં દોડવું. ક્રિકેટના નિયમ મુજબ, બેટ્સમેન પિચની મધ્યમાં દોડી શકતા નથી કારણ કે તેનાથી પિચ પર નિશાન પડી જાય છે, જે પછીથી બોલિંગ કરનાર ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ભારતીય ઇનિંગ દરમિયાન અમ્પાયરે અનુકુલ રોયને આ માટે એકવાર ચેતવણી આપી હતી. નિયમ મુજબ એકવાર ચેતવણી મળ્યા બાદ જો બેટ્સમેન ફરીથી આ ભૂલ કરે, તો વિરોધી ટીમને ૫ રન પેનલ્ટી તરીકે આપવામાં આવે છે. ભારતીય ઓલરાઉન્ડર વિપરાજ નિગમે તે જ ઓવરોમાં બે વખત આ ભૂલ દોહરાવી, જેના કારણે અમ્પાયરે બે વાર ૫-૫ રનની પેનલ્ટી ફટકારી. આમ, કુલ ૧૦ રન શ્રીલંકાને સજા તરીકે મળી ગયા.
રસપ્રદ વળાંક: ઇન્ડિયાને પણ મળ્યા હતા 'ફ્રી' રન
સિક્કાની બીજી બાજુ એ પણ છે કે, આ મેચમાં ઇન્ડિયા 'એ' ને પણ ૫ રન ગિફ્ટમાં મળ્યા હતા. જ્યારે શ્રીલંકા ફિલ્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે એક વાઈડ બોલ વિકેટકીપરની પાછળ પડેલા હેલ્મેટ પર જઈને વાગ્યો હતો. ક્રિકેટના નિયમ મુજબ જો ફિલ્ડિંગ કરતી ટીમના કોઈ બાહ્ય સાધન પર બોલ અથડાય તો બેટિંગ ટીમને ૫ રનનો દંડ મળે છે.
જોકે, આ ૧૦ રનની પેનલ્ટી હોવા છતાં ઇન્ડિયા 'એ' ટીમે અંત સુધી સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. આ ઘટનાએ ક્રિકેટ ચાહકોને ફરી એકવાર યાદ અપાવી દીધું કે નિયમોનું પાલન ન કરવું કેટલી મોંઘી સાબિત થઈ શકે છે. ભલે મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હોય, પરંતુ આ ૧૦ રનની પેનલ્ટી લાંબા સમય સુધી ચર્ચાનો વિષય બની રહેશે.

(4:52 PM IST)