તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
ભારત સામે શરમજનક હાર બાદ પાકિસ્તાન પર ICCની ‘ચાબુક’: રન તો ઓછા પડ્યા, હવે ખિસ્સા પણ ખાલી થશે!
મહિલા ટી૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા સામે ૬૪ રને પરાજય બાદ પાકિસ્તાની ટીમ પર સ્લો ઓવર-રેટ બદલ લાગ્યો મેચ ફીનો દંડ : કેપ્ટન ફાતિમા સનાએ જાહેરમાં ગુનો કબૂલ્યો

નવી દિલ્હી: મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં પરંપરાગત હરીફ ભારત સામે કારમી હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટો આંચકો લાગ્યો છે. બર્મિંગહામના પ્રખ્યાત એજબેસ્ટન મેદાન પર રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં હરમનપ્રીત કૌરની સેનાએ પાકિસ્તાનને 64 રને ધૂળ ચટાડી દીધી હતી. આ શરમજનક પરાજયની પીડા હજુ ઓછી નહોતી થઈ ત્યાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાની ટીમ પર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કડક કાર્યવાહી કરી છે. મેચ દરમિયાન નિર્ધારિત સમયમાં ઓવરો પૂરી ન કરવા એટલે કે 'સ્લો ઓવર-રેટ' બદલ આખી પાકિસ્તાન ટીમને તેમની મેચ ફીના 5 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, જેનાથી મેદાન પર અને મેદાનની બહાર પાકિસ્તાનની ભારે ફજેતી થઈ છે.
ICC મેચ રેફરીની પેનલના સભ્ય ટ્રુડી એન્ડરસને મેચ બાદ સમયની ગણતરી કરી ત્યારે જાણવા મળ્યું કે પાકિસ્તાની ટીમ નિર્ધારિત સમય પૂરો થયા પછી પણ એક ઓવર પાછળ ચાલી રહી હતી. ICC આચાર સંહિતાની કલમ 2.22 ના નિયમ મુજબ, જો કોઈ ટીમ સમયસર બોલિંગ પૂર્ણ ન કરે, તો તેના તમામ ખેલાડીઓને પ્રતિ ઓવરના હિસાબે મેચ ફીના 5 ટકા દંડ ચૂકવવો પડે છે. પાકિસ્તાનની મહિલા ટીમની કેપ્ટન ફાતિમા સનાએ મેદાન પર જ પોતાની આ ગંભીર ભૂલ સ્વીકારી લીધી હતી અને પ્રસ્તાવિત દંડનો સ્વીકાર કર્યો હતો, જેના કારણે આ મામલે હવે કોઈ ઔપચારિક સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં. ઓન-ફિલ્ડ અમ્પાયર ક્લેર પોલોસાક અને જેક્લીન વિલિયમ્સ સહિતના ઓફિશિયલ્સે પાકિસ્તાનની આ ઢીલી રણનીતિ સામે લાલ આંખ કરી હતી.
જો મેચના રોમાંચની વાત કરીએ તો, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ ધમાકેદાર (68) રનની અડધી સદી ફટકારી હતી, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે (36) અને વિકેટકીપર રિચા ઘોષે (34) રનનું આક્રમક યોગદાન આપીને ભારતને 20 ઓવરમાં 6 વિકેટે 170 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું. આ પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની આખી ટીમ ભારતીય સ્પિનર દીપ્તિ શર્માની ફિરકી સામે પત્તાના મહેલની જેમ માત્ર 106 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. દીપ્તિ શર્માએ ઘાતક બોલિંગનું પ્રદર્શન કરતા 5 વિકેટ ઝડપીને મેચની અસલી હીરો બની હતી, જેના કારણે પાકિસ્તાનને વર્લ્ડ કપના મંચ પર બેવડો માર સહન કરવો પડ્યો છે
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
