તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
ફૂટબોલના મેદાન પર ભારતીય મૂળના ખેલાડીનો ઐતિહાસિક ઉદય: ફિફા વર્લ્ડ કપમાં મેચ શરૂ કરનાર પ્રથમ ભારતીય વંશના ખેલાડી બન્યા સરપ્રીત સિંહ
લોસ એન્જલસમાં ઈરાન સામે ન્યૂઝીલેન્ડ તરફથી રમતા સરપ્રીતે રચ્યો ઈતિહાસ; 10 નંબરની જર્સી પહેરીને મેદાનમાં ઉતરેલા સરપ્રીતે પ્રભાવશાળી રમતથી જીત્યા સૌના દિલ

નવી દિલ્હી: વૈશ્વિક ફૂટબોલના સૌથી મોટા મંચ 'ફિફા વર્લ્ડ કપ 2026'માં ભારતીય મૂળના ખેલાડીઓએ પોતાની આગવી ઓળખ બનાવવાનું શરૂ કર્યું છે. ન્યૂઝીલેન્ડના સ્ટાર મિડફિલ્ડર સરપ્રીત સિંહે લોસ એન્જલસમાં ઈરાન સામે રમાયેલી રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડની શરૂઆતની ઈલેવનમાં સ્થાન મેળવીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં કોઈપણ મેચ શરૂ કરનાર (સ્ટાર્ટિંગ લાઇન-અપમાં રહેનાર) સરપ્રીત સિંહ પ્રથમ ભારતીય મૂળનો ખેલાડી બની ગયો છે.
ઐતિહાસિક ડેબ્યૂ અને મેચની ખાસિયતો:
27 વર્ષીય સરપ્રીત સિંહ, જેમના મૂળ પંજાબ સાથે જોડાયેલા છે, તેણે આ મેચમાં નંબર 10 ની જર્સી પહેરીને મેદાનમાં ઉતરીને અદભૂત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડના કોચ ડેરેન બેઝેલીએ તેમના પર ભરોસો મૂકીને 90મી મિનિટ સુધી મેદાનમાં રાખ્યા હતા. આ મેચ 2-2 થી ડ્રો રહી હતી, પરંતુ સરપ્રીતનો આક્રમક ખેલ અને ઈરાની ગોલકીપરને પરેશાન કરતા તેના શોટ્સ ફૂટબોલ ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા.
ભારત સાથેનો જૂનો નાતો અને યુરોપમાં ચમક:
સરપ્રીત સિંહ માત્ર આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જ નહીં, પરંતુ ભારતીય મેદાન પર પણ રમી ચૂક્યા છે. વર્ષ 2018માં મુંબઈ ખાતે રમાયેલા ઈન્ટરકોન્ટિનેન્ટલ કપમાં તેમણે ભારત સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, સરપ્રીતનું નામ બાયર્ન મ્યુનિક જેવી દિગ્ગજ ક્લબ સાથે પણ જોડાયેલું છે. વર્ષ 2020માં બુન્ડેસલીગા ટાઇટલ જીતનાર બાયર્ન મ્યુનિકની ટીમનો ભાગ બનીને, જર્મન ફર્સ્ટ ડિવિઝન લીગમાં રમનાર ભારતીય મૂળના પ્રથમ ખેલાડી બનવાનું બહુમાન પણ સરપ્રીતને ફાળે જાય છે.
અન્ય ખેલાડીઓનો પણ દબદબો:
માત્ર સરપ્રીત જ નહીં, આ વર્ષના વર્લ્ડ કપમાં ભારતીય મૂળના અન્ય ખેલાડીઓ પણ મેદાનમાં જોવા મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના નિશાન વેલુપિલેએ તુર્કીયે સામેની જીતમાં પોતાનું યોગદાન આપ્યું છે, તો બીજી તરફ કતારની ટીમમાં તાહસીન મોહમ્મદ જમશીદ અને ડીઆર કોંગોની ટીમમાં સેમ્યુઅલ મૌતુસામી જેવા ખેલાડીઓ પણ ભારતીય મૂળ સાથે જોડાયેલા છે. ફ્રાન્સના વિકાસ ધોરાસુ બાદ, વર્લ્ડ કપમાં આટલી મોટી સંખ્યામાં ભારતીય મૂળના ખેલાડીઓનું હોવું એ ભારતીય રમતગમત પ્રેમીઓ માટે ગર્વની વાત છે.
આ ખેલાડીઓની સફળતા એ વાતનું પ્રમાણ છે કે સાચી તક મળે તો ભારતીય મૂળની પ્રતિભાઓ વિશ્વના સર્વોચ્ચ સ્તર પર પોતાનું વર્ચસ્વ સ્થાપી શકે છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
