<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ગ્લાસગોમાં હોટલના રૂમમાંથી પાકિસ્તાની બોક્સર કુદરતુલ્લાહ ખાન ગાયબ: પાસપોર્ટ અને ટિકિટ વગર અદ્રશ્ય થતાં ખળભળાટ

કોમનવેલ્થ ગેમ્સ પૂરી થતાં જ એરપોર્ટ જવાની તૈયારી વખતે ગુમ થયો યુવા બોક્સર: વિદેશમાં પાકિસ્તાની ખેલાડીઓ ગાયબ થઈ જવાની ઘટનાઓથી રમતગમત જગતમાં ભારે નામોશી

ઇસ્લામાબાદ: તા.05: સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં તાજેતરમાં સંપન્ન થયેલી કોમનવેલ્થ ગેમ્સ (CWG 2026) માંથી પાકિસ્તાન ટુકડી માટે એક અત્યંત શરમજનક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનનો આશાસ્પદ યુવા બોક્સર કુદરતુલ્લાહ ખાન ટીમની હોટલના રૂમમાંથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગયો છે. સૌથી નવાઈની વાત એ છે કે તેનો પાસપોર્ટ અને પાકિસ્તાન પરત ફરવાની એર ટિકિટ હજુ પણ ટીમ મેનેજર પાસે સુરક્ષિત છે, તેમ છતાં તે એરપોર્ટ રવાના થવાના થોડા કલાકો પહેલાં જ અદ્રશ્ય થઈ જતાં ખળભળાટ મચી ગયો છે.

મંગળવાર, ૪ ઓગસ્ટે કોમનવેલ્થ ગેમ્સ પૂર્ણ થયા બાદ પાકિસ્તાની ટુકડી સ્વદેશ પરત ફરવા માટે ગ્લાસગોની હોટલમાં એકઠી થઈ રહી હતી, ત્યારે જ બલુચિસ્તાનના ક્વેટાનો રહેવાસી ૧૯ વર્ષીય બોક્સર કુદરતુલ્લાહ ખાન ગાયબ હોવાની જાણ થઈ હતી. પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશનના અધિકારીઓએ તાત્કાલિક સ્થાનિક સ્કોટિશ સત્તાવાળાઓને આ અંગે જાણ કરી છે અને હાલમાં તેની શોધખોળ ચાલુ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યુનાઇટેડ કિંગડમ (UK) માં ગેરકાયદેસર રીતે વસવાટ કરવાના હેતુથી તે જાણીજોઈને ગાયબ થઈ ગયો છે.

આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ દરમિયાન પાકિસ્તાની બોક્સરો ગાયબ થઈ ગયા હોય તેવી આ પહેલી ઘટના નથી. આ અગાઉ ૨૦૨૪ માં ઇટાલીમાં ઓલિમ્પિક ક્વોલિફાયર દરમિયાન ઝોહૈબ રશીદ અને ૨૦૨૨ કોમનવેલ્થ ગેમ્સ વખતે પણ સુલેમાન બલોચ અને નઝીરુલ્લાહ નામના બોક્સરો આ જ રીતે ગાયબ થઈ ગયા હતા. ૨૧ સભ્યોની ટુકડી મોકલીને માત્ર એક બ્રોન્ઝ મેડલ જીતનાર પાકિસ્તાન માટે રમતગમતના ખરાબ પ્રદર્શન સાથે સાથે ખેલાડીઓની આવી હરકતોથી વૈશ્વિક સ્તરે ભારે નામચીન થવાનો વારો આવ્યો છે.

(5:05 PM IST)