<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

CWG 2026 માં સિલ્વર મેડલ વિજેતા રાજા મુથુપંડીએ તમિલનાડુ સરકાર પાસે કરી મોટી માંગ: દરેક જિલ્લામાં વેઇટલિફ્ટિંગ તાલીમ કેન્દ્રો શરૂ કરવા અપીલ

ઈજા અને મુશ્કેલીઓને માત આપીને ૨૮૬ કિગ્રા વજન ઉપાડી મેળવી મોટી સિદ્ધિ: કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળ્યા રૂ. ૫૦ લાખના રોકડ પુરસ્કાર

ચેન્નઈ : સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે તાજેતરમાં પૂરી થયેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં પુરુષોની ૬૫ કિગ્રા વેઇટલિફ્ટિંગ શ્રેણીમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય ખેલાડી રાજા મુથુપંડીએ સ્વદેશ પરત ફર્યા બાદ તમિલનાડુ સરકાર સમક્ષ એક મહત્વની અપીલ કરી છે. તેમણે રાજ્યના તમામ જિલ્લાઓમાં આધુનિક વેઇટલિફ્ટિંગ તાલીમ કેન્દ્રો સ્થાપિત કરવાની માંગ કરી છે, જેથી ગ્રામીણ અને યુવા પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન મળી શકે અને ભવિષ્ય માટે નવા ચેમ્પિયન્સ તૈયાર કરી શકાય.

રાજા મુથુપંડીએ ગ્લાસગોમાં સ્નેચ અને ક્લીન એન્ડ જર્કમાં કુલ ૨૮૬ કિગ્રા વજન ઉપાડીને આ શાનદાર સફળતા મેળવી હતી. તેમની આ સિદ્ધિ બદલ કેન્દ્રીય રમતગમત મંત્રાલય દ્વારા રૂ. ૨૦ લાખ અને તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય દ્વારા રૂ. ૩૦ લાખના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ૨૬ વર્ષીય રાજા માટે આ મેડલ એક અદ્ભુત પુનરાગમન સમાન છે, કારણ કે ૨૦૧૯ માં કોણીની ગંભીર ઇજા અને કોરોના મહામારીના કારણે તેમની કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ હતી, પરંતુ તેમણે સતત મહેનતથી કમબેક કરીને દેશનું નામ રોશન કર્યું છે.

ગ્લાસગો ૨૦૨૬ માં ભારતીય વેઇટલિફ્ટિંગ ટુકડીએ દબદબો જાળવી રાખતા ૧ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૧ બ્રોન્ઝ સહિત કુલ ૮ મેડલ જીત્યા હતા. જેમાં સ્ટાર ખેલાડી મીરાબાઈ ચાનુએ મહિલા ૪૮ કિગ્રા વર્ગમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે આ વખતે ગેમ્સમાં ૧૩ ગોલ્ડ સાથે કુલ ૩૯ મેડલ મેળવીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

 

(6:05 PM IST)