<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

જ્યારે કાનપુરના ગ્રીન પાર્ક મેદાન પર લાગ્યો હતો કેરેબિયન ઝડપી બોલર માલ્કમ માર્શલનો ડર: સુનિલ ગાવસ્કરનું બેટ પણ થઈ ગયું હતું હેાશ ઉડાડતી ઘાતક ગતિ સામે નિઃસહાય!

વર્ષ ૧૯૮૩ની ઐતિહાસિક ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બોલરના ખતરનાક સ્પેલ સામે ભારતીય બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગઈ હતી.

નવી દિલ્હી : ક્રિકેટ ઇતિહાસના પાનાઓમાં કેટલીક મેચો માત્ર હાર-જીત માટે નહીં, પરંતુ વિરોધી ટીમ પરના સંપૂર્ણ માનસિક અને શારીરિક વર્ચસ્વ માટે યાદ કરવામાં આવે છે. વર્ષ ૧૯૮૩માં ભારતીય ટીમે લોર્ડ્સના મેદાન પર વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો હતો, પરંતુ તેના માત્ર ચાર મહિના પછી જ ઓક્ટોબર ૧૯૮૩માં જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત પ્રવાસે આવી, ત્યારે કાનપુરના ગ્રીન પાર્ક મેદાન પર એક એવો ભયાનક નજારો જોવા મળ્યો જેને ક્રિકેટ જગત આજે પણ "કાનપુરમાં માર્શલ લો" તરીકે યાદ કરે છે.

 

કપિલ દેવની આગેવાની હેઠળની ભારતીય ટીમ સામે કેરેબિયન ફાસ્ટ બોલર માલ્કમ માર્શલે પોતાની ઘાતક બોલિંગ અને અદભુત બેટિંગથી તહલકો મચાવી દીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ઇનિંગમાં ૪૫૪ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેમાં ગોર્ડન ગ્રીનિજની શાનદાર સદી ઉપરાંત માલ્કમ માર્શલે નીચલા ક્રમે આવીને ૯૨ રનની ધુંઆધાર ઇનિંગ રમી હતી. માર્શલ માત્ર ૮ રનથી પોતાની સદી ચૂકી ગયો હતો, પરંતુ તેણે ભારતીય બોલરોના હોશ ઉડાવી દીધા હતા.


 

માર્શલનો વિનાશક ઓપનિંગ સ્પેલ અને ભારતીય ટીમની કારમી હાર

જ્યારે ભારતીય ટીમ પોતાની પહેલી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરી, ત્યારે કાનપુરની પીચ પર માર્શલનું વાવાઝોડું ત્રાટક્યું હતું. માર્શલે ભારતના મહાન ઓપનર સુનિલ ગાવસ્કરને શૂન્ય રન પર આઉટ કર્યો હતો, અને તે ઘાતક બોલની ગતિ એટલી ભયાનક હતી કે ગાવસ્કરના હાથમાંથી બેટ પણ સરકીને નીચે પડી ગયું હતું. માર્શલે માત્ર ૯ રન આપીને ૪ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી અને ભારતીય ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો.

 

બીજા દિવસની રમત અંતર્ગત ભારતનો સ્કોર માત્ર ૩૪ રનમાં ૫ વિકેટ થઈ ગયો હતો, જેને જોઈને બીજા દિવસના અખબારોએ હેડલાઇન છાપી હતી— "કાનપુરમાં માર્શલ લો". આ ઘાતક આક્રમણ સામે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર ૨૦૭ રનમાં સમેટાઈ ગઈ હતી અને એક ઇનિંગ તથા ૮૩ રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

 

(7:46 PM IST)