News of Friday, 7th August 2026
વૂમન્સ એશિયા કપઃ ૫ સપ્ટેમ્બરે ભારત-પાક. આમને-સામને
શેડયુલ જાહેરઃ ગ્રુપ-એ માં ભારત, પાકિસ્તાન, થાઈલેન્ડ અને હોંગકોંગની ટીમો

રાજકોટઃ મહિલા એશિયા કપ ૨૦૨૬ માટે તમામ આઠ ટીમોના ગ્રુપ અને ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિગતો મુજબ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પોતાના અભિયાનની શરૂઆત ૩૦ ઓગસ્ટે થાઈલેન્ડ સામે કરશે, જ્યારે ૫ સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે હાઇ-વોલ્ટેજ મુકાબલો ખેલાશે. મહિલા એશિયા કપ ૨૦૨૬ ટૂર્નામેન્ટમાં એશિયાની શ્રેષ્ઠ ૮ ટીમો ભાગ લઈ રહી છે, જેમને બે અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં ૪-૪ ટીમોનો સમાવેશ કરાયો છે. ભારતીય મહિલા ટીમને ગ્રુપ એ માં રાખવામાં આવી છે, જેમાં પાકિસ્તાન, થાઈલેન્ડ અને હોકોંગની ટીમો પણ સામેલ છે. બીજી તરફ ગ્રુપ બી માં શ્રીલંકા, બાંગ્લાદેશ, સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) અને ઇન્ડોનેશિયાની ટીમો વચ્ચે સેમિફાઇનલમાં પહોંચવા માટે રોમાંચક જંગ ખેલાશે. બંને ગ્રુપમાંથી પોઇન્ટ્સ ટેબલમાં ટોપ-૨ પર રહેનારી ટીમો સીધી સેમિફાઇનલ માટે ક્વોલિફાઇ કરશે. એશિયા કપ ૨૦૨૬ અન્વયે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ થાઈલેન્ડ સામે રમશે. ત્યાર બાદ ૩ સપ્ટેમ્બરે ટીમ ઇન્ડિયા હોંગકોંગ સામે મેદાનમાં ઉતરશે અને ગ્રુપ સ્ટેજની સૌથી રોમાંચક મેચ ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ચિરપ્રતિસ્પંદી પાકિસ્તાન સામે ખેલાશે. હરમાનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ પોતાના ત્રણેય મુકાબલા જીતીને ગ્રુપ એ માં ટોચના સ્થાને રહી સેમિફાઇનલમાં પ્રવેશવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતીય ટીમ આ વખતે માત્ર ટાઇટલ જીતવા માટે જ નહીં પરંતુ શ્રીલંકા સામે જૂનો હિસાબ ચુકતે કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે ૨૦૨૪ ની મહિલા એશિયા કપની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી, જ્યાં શ્રીલંકન ટીમે ભારતને હરાવીને પ્રથમ વખત મહિલા એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. જો આ વખતે પણ શ્રીલંકાની ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે, તો ભારતીય ટીમ તેમને માત આપીને પોતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે કોઈ કસર છોડશે નહીં.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
