<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણેનો નિવૃત્તિ બાદ ધમાકો: કોચિંગ કે કોમેન્ટ્રી નહીં, પરંતુ યુરોપિયન T20 લીગમાં એમ્સ્ટરડેમ ફ્લેમ્સે માર્કી પ્લેયર તરીકે કરારબદ્ધ કર્યો

ઓસ્ટ્રેલિયન દંતકથા સ્ટીવ વોએ રહાણેને લીગના ગ્રોથ માટે અમૂલ્ય ગણાવ્યો: શ્રીલંકા સામેની વોર્મ-અપ મેચમાં કેપ્ટન શુભમન ગિલ આંગળીની ઈજાના કારણે બહાર, કેએલ રાહુલે ટોસ માટે કમાન સંભાળી

નવી દિલ્હી: તા.૦૭: ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ અનુભવી બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણે પોતાની બીજી ઈનિંગ શરૂ કરવા માટે સજ્જ થઈ ગયો છે. સામાન્ય રીતે ખેલાડીઓ નિવૃત્તિ બાદ કોચિંગ કે કોમેન્ટ્રીનો રસ્તો પસંદ કરતા હોય છે, પરંતુ રહાણેએ મેદાન પર વ્યાવસાયિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. રહાણે 'યુરોપિયન T20 પ્રીમિયર લીગ' (ETPL) ની પ્રથમ આવૃત્તિમાં 'એમ્સ્ટરડેમ ફ્લેમ્સ' (Amsterdam Flames) ટીમ વતી માર્કી ખેલાડી તરીકે મેદાનમાં ઉતરશે. આ લીગમાં રવિચંદ્રન અશ્વિન સહિત અન્ય કેટલાક ભારતીય ભૂતપૂર્વ ખેલાડીઓ પણ એક્શનમાં જોવા મળશે.

 

એમ્સ્ટરડેમ ફ્લેમ્સના સહ-સ્થાપક અને ઓસ્ટ્રેલિયાના મહાન ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ રહાણેનું ટીમમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્ટીવ વોએ રહાણેના નેતૃત્વ અને રમત પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "અજિંક્ય રહાણે પાસે એક સફળ વ્યાવસાયિક ક્રિકેટરના તમામ ગુણો છે - કૌશલ્ય, સ્થિતિસ્થાપકતા, નમ્રતા અને ઉત્કૃષ્ટ નેતૃત્વ. દબાણની સ્થિતિમાં તેની શાંતિ વિજેતા માનસિકતા બનાવવામાં મદદ કરે છે અને યુરોપમાં ક્રિકેટના વિકાસ માટે તેનો અનુભવ અત્યંત અમૂલ્ય પુરવાર થશે."

 

બીજી તરફ, ભારત અને શ્રીલંકા ઇલેવન વચ્ચે શરૂ થયેલી ત્રણ દિવસીય પ્રેક્ટિસ વોર્મ-અપ મેચ દરમિયાન ભારતીય છાવણીમાંથી મહત્વના સમાચાર આવ્યા છે. ગુરુવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલની જમણા હાથની રિંગ ફિંગરમાં ઈજા પહોંચી હતી. સાવચેતીના પગલે બીસીસીઆઈ (BCCI) ની મેડિકલ ટીમે તેને પહેલા દિવસે આરામ આપવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે કેએલ રાહુલે મેચમાં ટોસ માટે કમાન સંભાળી હતી.

 

મેચની વાત કરીએ તો શ્રીલંકા ઇલેવનના કેપ્ટન સોનલ દિનુષાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાના ઓપનરોએ ૧૧૦ રનની મજબૂત ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. જોકે, ત્યારબાદ ભારતીય બોલરોએ મેચમાં વાપસી કરી હતી અને રવિન્દ્ર જાડેજા તથા કુલદીપ યાદવના શાનદાર સ્પેલના બળે ચાના વિરામ સુધીમાં શ્રીલંકાની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી.

 

(4:19 PM IST)