<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ડીએસપી સિરાજ, હવે પોતાની જાતને જ એરેસ્ટ કરી લો: ગોલ્ડન હેરસ્ટાઇલના નવા અવતાર સાથે સોશિયલ મીડિયા પર 'મિયાં મેજિક'નો ધમાકો, ફેન્સ થયા ક્રેઝી

હાર્દિક પંડ્યા અને તિલક વર્મા બાદ હવે મોહમ્મદ સિરાજનો સ્ટાઇલિશ મેકઓવર: શ્રીલંકા સામે પ્રેક્ટિસ મેચ દરમિયાન નવો દેખાવ સોશિયલ મીડિયા પર વાયરલ

કોલંબો: તા.૦૭: કોલંબોના નેશનલ ક્રિકેટ ક્લબ (NCC) ગ્રાઉન્ડ ખાતે ભારત અને શ્રીલંકા XI વચ્ચે રમાઈ રહેલી પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમની બોલિંગ સાથે જ એક અન્ય બાબત સૌથી વધુ ચર્ચાનો વિષય બની હતી. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મેદાનમાં નવી બોલ સાથે પ્રવેશ કર્યો ત્યારે ફેન્સ તેનો નવો હેરલુક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સિરાજે પોતાના વાળને ટ્રેન્ડી ગોલ્ડન હાઇલાઇટ્સ સાથે નવો લુક આપ્યો છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

 

સિરાજનો આ નવો દેખાવ મેચના પ્રથમ દિવસની સૌથી મોટી ઓફ-ફીલ્ડ હાઇલાઇટ્સ બની રહ્યો હતો. તાજેતરના મહિનાઓમાં સોનેરી હેરસ્ટાઇલ અપનાવનારા ભારતીય ક્રિકેટરોની યાદીમાં હવે સિરાજનું નામ પણ ઉમેરાઈ ગયું છે. આ અગાઉ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને યુવા બેટ્સમેન તિલક વર્માએ પણ આવી જ બ્લેન્ડ/ગોલ્ડન હેરસ્ટાઇલ કરી હતી, જેણે ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું.

 

સિરાજના આ નવા અવતાર પર ઈન્ટરનેટ પર રમુજી પ્રતિક્રિયાઓ અને મીમ્સનો પૂર આવ્યો છે. તેલંગાણા પોલીસમાં ડીએસપી તરીકે ફરજ બજાવતા સિરાજ વિશે ફેન્સે મજાક કરતાં લખ્યું કે, "ડીએસપી સિરાજ, હવે તો આટલા બોલ્ડ અને કિલર લુક માટે તમારે પોતાની જાતને જ અરેસ્ટ કરવી પડશે!" તો વળી કેટલાક યુઝર્સે તેની સરખામણી હાર્દિક પંડ્યાની જૂની હેરસ્ટાઇલ સાથે કરી હતી.

 

મેદાન પરની વાત કરીએ તો, કોલંબોના NCC ગ્રાઉન્ડ ખાતે શ્રીલંકા XIએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીદો હતો. આ પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમની કમાન ઉપ-કપ્તાન કે.એલ. રાહુલ સંભાળી રહ્યા છે, કારણ કે નિયમિત કપ્તાન શુભમન ગિલ આંગળીની ઈજાના કારણે એહતિયાત તરીકે પ્રથમ દિવસે મેદાન પર ઉતર્યા નહોતા. સિરાજના આ ફેશન સ્ટેટમેન્ટે મેદાન પરની રમતની સાથે ઓનલાઇન દુનિયામાં પણ નવી ચર્ચા જગાવી છે.

 

(5:57 PM IST)