<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ડાર્વિન ટેસ્ટમાં બાંગ્લાદેશનો ઐતિહાસિક ધમાકો: તન્ઝીદ હસનની સદી અને કેપ્ટન શાંતોની આક્રમક બેટિંગથી ઓસ્ટ્રેલિયા પર 153 રનની મજબૂત લીડ!

તન્ઝીદ તમીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ બાંગ્લાદેશી બેટ્સમેન બન્યો: બીજા દિવસના અંતે બાંગ્લાદેશનો સ્કોર 6 વિકેટે 351 રન

ડાર્વિન: તા.14: ડાર્વિન ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે બાંગ્લાદેશે શાનદાર રમતનું પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા સામે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. બીજા દિવસના રમતના અંત સુધીમાં બાંગ્લાદેશે 6 વિકેટના નુકસાને 351 રન બનાવીને ઓસ્ટ્રેલિયા પર 153 રનની વિશાળ લીડ મેળવી લીધી છે. યુવા ઓપનર તન્ઝીદ હસન તમીમની યાદગાર પ્રથમ ટેસ્ટ સદી અને કેપ્ટન નજમુલ હુસૈન શાંતોના 84 રનની મદદથી કંગારૂ ટીમ આખો દિવસ વિકેટો માટે ઝૂઝતી જોવા મળી હતી.

 

ગઈકાલના 1 વિકેટે 96 રનના સ્કોરથી આગળ રમતા, તન્ઝીદ અને મોમિનુલ હકે બાંગ્લાદેશની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ 100 રનની ભાગીદારી નોંધાવી હતી. મોમિનુલ હક 49 રનના સ્કોરે જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન શાંતો સાથે મળીને તન્ઝીદે ઓસ્ટ્રેલિયન બોલરોની આકરી પરીક્ષા લીધી હતી. તન્ઝીદે 64મી ઓવરમાં નાથન લિયોનને સિક્સર અને ફોર ફટકારી પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ બાંગ્લાદેશી બેટ્સમેન બની ગયો છે.

 

તન્ઝીદ 101 રન બનાવીને નાથન લિયોનનો શિકાર બન્યા બાદ કેપ્ટન શાંતોએ મોરચો સંભાળ્યો હતો. શાંતો અને અનુભવી મુશફિકુર રહીમ (36 રન) વચ્ચે ચોથી વિકેટ માટે 66 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. શાંતોએ 84 રનની શાનદાર ઈનિંગ રમી હતી. દિવસના છેલ્લા સેશનમાં ઓસ્ટ્રેલિયાએ બીજા નવા બોલ સાથે વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. હેઝલવુડ, સ્ટાર્ક અને કમિન્સે 11 રનના ગાળામાં 3 વિકેટ ઝડપીને બાંગ્લાદેશને ઝટકા આપ્યા હતા.

 

જોકે, મેહદી હસન મિરાઝ (32*) અને હસન મહમૂદ (13*)એ દિવસના અંત સુધી વધુ કોઈ ક્ષતિ થવા દીધી નહોતી અને ટીમનો સ્કોર 351 સુધી પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કે 2-2 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ હાલ મેચમાં ડ્રાઇવિંગ સીટ પર છે અને ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે.

(4:41 PM IST)