<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

ડાર્વિન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશ ઐતિહાસિક વિજયની અતિ નજીક: કટોકટી વચ્ચે ઓસ્ટ્રેલિયાનો ભારે પ્રતિકાર, છતાં ૬૭ રન પાછળ!

જોશ હેઝલવુડની ૩૦૦મી ટેસ્ટ વિકેટ અને ૬ વિકેટની સિદ્ધિ એળે ગઈ; બીજા દાવમાં પણ ઓસ્ટ્રેલિયાએ ૧૬૧ રનમાં ૪ મહત્ત્વની વિકેટ ગુમાવી.

ડાર્વિન: ડાર્વિન ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં સતત બે દિવસ સુધી બેકફૂટ પર રહ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો, છતાં બાંગ્લાદેશ પોતાની ઐતિહાસિક જીત તરફ વધુ એક મજબૂત કદમ ભરી ચૂક્યું છે. ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાના બીજા દાવમાં ૪ વિકેટે ૧૬૧ રન બનાવ્યા હતા અને ટીમ હજુ પણ બાંગ્લાદેશ કરતાં ૬૭ રન પાછળ છે. ક્રીઝ પર કેમેરોન ગ્રીન (૪૩*) અને એલેક્સ કેરી અણનમ રહ્યા છે.

 

આ અગાઉ બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગમાં ૧૩૮ ઓવર સુધી બેટિંગ કરીને ૪૨૬ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો અને ૨૨૮ રનની મજબૂત સરસાઈ મેળવી હતી. તાનઝીદ હસને ૧૦૧, નજમુલ શાંતોએ ૮૪ અને મેહદી હસન મિરાઝે ૬૫ રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે ૮૯ રનમાં ૬ વિકેટ ઝડપી હતી, જે દરમિયાન તેણે પોતાની ૩૦૦મી ટેસ્ટ વિકેટ લેવાની મોટી સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

 

૨૨૮ રનના બોજ હેઠળ ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી. હસન મહમૂદે ઓપનર જેક વેધરલ્ડ (૦) અને ટ્રેવિસ હેડને જલ્દી પેવેલિયન ભેગા કર્યા હતા. બાદમાં માર્નસ લાબુશેન ૩૧ રન અને સ્ટીવ સ્મિથ ૪૪ રન બનાવીને આઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયા પર હારનો ખતરો મંડરાઈ રહ્યો છે, જ્યારે બાંગ્લાદેશ ઐતિહાસિક જીતથી હવે માત્ર થોડા જ કદમ દૂર છે.

(9:53 PM IST)