તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સે રચ્યો ઇતિહાસ: ત્રીજા પ્રયાસે જીત્યું ધ હંડ્રેડનું પ્રથમ ટાઇટલ, ટિમ સીફર્ટની વિસ્ફોટક ઇનિંગથી ટ્રેન્ટ રોકેટ્સ પરાસ્ત!
બે વખત ફાઇનલમાં હાર્યા બાદ આખરે ટ્રોફી પર કબજો કર્યો; ૩૮ બોલમાં ૭૨ રનની તોફાની રમત રમીને સીફર્ટે અપાવી સનસનાટીભરી જીત, મેચના અંતિમ બોલ સુધી જામ્યો રોમાંચ

લંડન : લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ધ હંડ્રેડ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સે (અગાઉ માન્ચેસ્ટર ઓરિજિનલ્સ) પાંચ વિકેટથી રોમાંચક વિજય મેળવીને પ્રથમ વખત મેન્સ હંડ્રેડ ટાઇટલ પોતાના નામે કર્યું છે. ૨૦૨૨ માં ટ્રેન્ટ રોકેટ્સ સામે અને ૨૦૨૩ માં ઓવલ ઇન્વિન્સિબલ્સ સામે ફાઇનલમાં પરાજયનો સામનો કરનાર સુપર જાયન્ટ્સ માટે આ ત્રીજો પ્રયાસ સફળ સાબિત થયો હતો. ટિમ સીફર્ટની ૩૮ બોલમાં ૭૨ રનની સનસનાટીભર્યા મેચ-વિનિંગ ઇનિંગને બળે ટીમે ઐતિહાસિક વિજય નોંધાવીને ટ્રેન્ટ રોકેટ્સના ડબલ ટાઇટલ જીતવાના સ્વપ્ન પર પાણી ફેરવી દીધું હતું.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટ્રેન્ટ રોકેટ્સની ટીમે ફિન એલન અને બેન ડકેટ વચ્ચેની ૪૮ રનની મજબૂત ઓપનિંગ ભાગીદારીથી શરૂઆત કરી હતી. જોકે, કેપ્ટન જોસ બટલરે અફઘાનિસ્તાનના કાંડા-સ્પિનર નૂર અહમદને બોલિંગમાં લાવતાં જ મેચનું પાસું પલટાયું હતું અને અહમદે ચાર બોલમાં બંને ઓપનરોને પેવેલિયન ભેગા કર્યા હતા. ત્યારબાદ એન્યુરિન ડોનાલ્ડે ૧૯ બોલમાં ૩૮ રન અને અંતમાં લુઇસ ગ્રેગરી તથા મિશેલ સેન્ટનરની આક્રમક બેટિંગના દમ પર રોકેટ્સની ટીમે ૧૦૦ બોલમાં ૧૫૮/૮ નો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. આ મેદાન પર આ સિઝનનો સરેરાશ સ્કોર ૧૪૧ રન હતો, જેની સરખામણીએ આ લક્ષ્યાંક ઘણો મોટો હતો.
જવાબમાં ૧૫૯ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સની ટીમે સીફર્ટની તોફાની બેટિંગથી ધમાકેદાર શરૂઆત કરી હતી. સીફર્ટે માત્ર ૨૩ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને ૩૮ બોલમાં ૭ છગ્ગાની મદદથી ૭૨ રન બનાવીને સમગ્ર ટૂર્નામેન્ટમાં ૩૯૪ રન સાથે ટૂર્નામેન્ટ MVP નો ખિતાબ પણ મેળવ્યો હતો. તેને બીજા છેડેથી કેપ્ટન બટલર (૧૪ બોલમાં ૨૩ રન) અને લ્યુસ ડુ પ્લુય (૧૮ બોલમાં અણનમ ૨૭ રન) નો યોગ્ય સહયોગ મળ્યો હતો.
જ્યારે માન્ચેસ્ટરને ૨૨ બોલમાં ૨૩ રનની જરૂર હતી ત્યારે સીફર્ટ આઉટ થતાં મેચ ફરી રોમાંચક મોડ પર આવી ગઈ હતી. અંતિમ ક્ષણોમાં હેનરિક ક્લાસેન અને માઈકલ બ્રેસવેલની વિકેટો ઝડપથી પડી જતાં ટ્રેન્ટ રોકેબ્સે છેલ્લી ઓવર સુધી મેચ જીવંત રાખી હતી. જોકે, શાંત વલણ જાળવી રાખીને લિયામ ડોસને બે બોલ બાકી હતા ત્યારે બેન સેન્ડરસનના બોલ પર મિડવિકેટ પર ભવ્ય છગ્ગો ફટકારીને માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સને યાદગાર ટાઇટલ જીતાડી દીધું હતું.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
