<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

૨૦૨૬ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ: દિલ્હીમાં ઘરઆંગણે પીવી સિંધુનો ધમાકેદાર પ્રારંભ, પ્રારંભિક મેચમાં સોફિયા નોબલને ધૂળ ચાટતી કરી!

ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ફેન્સનો ભવ્ય ઉત્સાહ; ૧૭ વર્ષ બાદ ભારતમાં યોજાઈ રહી છે વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ

નવી દિલ્હી : ભારતીય બેડમિન્ટન સુપરસ્ટાર અને પૂર્વ વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ૨૦૨૬ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી છે. સોમવારે રમાયેલી મહિલા સિંગલ્સની પ્રારંભિક મેચમાં નવમા ક્રમાંકિત સિંધુએ આયર્લેન્ડની સોફિયા નોબલ સામે એકતરફી મુકાબલામાં ભવ્ય જીત નોંધાવીને ફેન્સને ઝૂમી ઉઠવાનો મોકો આપ્યો હતો. સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકો સાથે નાના બાળકો પણ "સિંધુ પીવી" ના નારા લગાવીને ઘરઆંગણાની સ્ટાર ખેલાડીનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા.

 

મેચ દરમિયાન પીવી સિંધુએ પોતાની લય અને પ્રભુત્વ જાળવી રાખતાં પહેલી ગેમ માત્ર ૨૧-૬ ના મોટા માર્જિનથી પોતાના નામે કરી લીધી હતી. ત્યારબાદ બીજી ગેમમાં પણ આયરિશ ખેલાડીને કોઈ તક આપ્યા વિના ૨૧-૧૧ થી માત આપી હતી. આ સાથે જ સિંધુએ ૨-૦ થી મેચ જીતીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. વર્ષ ૨૦૧૩ માં ચીન ખાતેથી વર્લ્ડ ચેમ્પિયનશિપ ડેબ્યૂ કરનાર સિંધુ પાસે આ વખતે પોતાના મેડલ કલેક્શનમાં વધુ એક ઐતિહાસિક મેડલ ઉમેરવાની સોનેરી તક છે.

 

નોંધનીય છે કે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપનું આ ૩૦મું સંસ્કરણ ૧૭ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં આયોજિત થઈ રહ્યું છે. પૂરા ૧૭ વર્ષના લાંબા વિરામ બાદ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ભારતમાં પાછી ફરી છે, જેના કારણે ભારતીય રમતપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉ પાંચ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીતી ચૂકેલી સિંધુ આ વખતે પોતાના રેકોર્ડ છઠ્ઠા મેડલ પર નિશાનો સાધી રહી છે.

(7:43 PM IST)