તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
ઓસ્ટ્રેલિયન ક્રિકેટનો ધાકડ બેટ્સમેન ડેવિડ વોર્નર દારૂ પીને ગાડી ચલાવવાના કેસમાં દોષિત જાહેર: ભારે દંડ અને કારમાં ઇન્ટરલોક ઉપકરણ લગાવવાનો શરતી હુકમ, BBL કેપ્ટનશીપ પર લટકતી તલવાર
ઇસ્ટર સન્ડેના દિવસે દારૂના નશામાં ગાડી ચલાવતી વખતે પોલીસને જોઈ સીટ બદલવાનો કીમિયો નિષ્ફળ ગયો; કોર્ટે આપી સખત સજા

સિડની, તા.૧૮: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને વૈશ્વિક ક્રિકેટના સ્ટાર ડેવિડ વોર્નર માટે કાયદાકીય મુશ્કેલીઓનો મોટો પહાડ તૂટી પડ્યો છે. દારૂ પીને બેફામ વાહન ચલાવવાના (ડ્રંકન ડ્રાઇવિંગ) ચકચારી કેસમાં સિડનીની વેવરલી લોકલ કોર્ટે વોર્નરને દોષિત ઠેરવ્યો છે. આ કાયદાકીય ચુકાદાને પગલે હવે આગામી બિગ બૅશ લીગ (BBL) ની સીઝનમાં સિડની થંડર ટીમની કેપ્ટનશીપ તેની પાસે રહેશે કે નહીં તે અંગે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
સિડની કોર્ટે આ સમગ્ર કેસની આખરી સજા સંભળાવતા વોર્નર પર ૧,૫૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર (AUD) નો રોકડ દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વોર્નર જો ભવિષ્યમાં ગાડી ચલાવવા માંગતો હોય તો તેણે પોતાના વાહનમાં વિશેષ 'ઇન્ટરલોક ડિવાઇસ' ફીટ કરાવવું પડશે. આ ઉપકરણ ચાલકના શ્વાસમાં આલ્કોહોલનું પ્રમાણ શોધી કાઢે છે અને જો દારૂનું સેવન કરેલું હોય તો કાર સ્ટાર્ટ થવા દેતું નથી.
પોલીસને જોઈને સીટ બદલવાની ચાલાકી પડી ભારે:
આ નાટ્યાત્મક ઘટના ૫ એપ્રિલના રોજ ઇસ્ટર સન્ડે દરમિયાન બની હતી. વોર્નર પોતાની કારમાં બાળકો અને મુસાફરો સાથે જઈ રહ્યો હતો ત્યારે રોડસાઇડ પર પોલીસની રેન્ડમ બ્રેથ-ટેસ્ટિંગ ટીમને જોઈને તેણે મુસાફર સાથે સીટ બદલવાનો અસફળ પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને રોકીને ટેસ્ટ કરતા તેના શ્વાસમાં દારૂનું પ્રમાણ કાનૂની મર્યાદા કરતાં બમણાથી પણ વધુ નીકળ્યું હતું. નોંધનીય છે કે તે સમયે વોર્નર પાકિસ્તાન સુપર લીગ (PSL) માં કરાચી કિંગ્સની કેપ્ટનશીપ છોડીને ઇસ્ટરની રજાઓ ગાળવા ઘરે આવ્યો હતો.
વકીલની દલીલ ફગાવી, જજે આપ્યો કડક સંદેશ:
કોર્ટમાં વોર્નરના વકીલ અવૈસ અહમદે દલીલ કરી હતી કે ગ્લોબલ મીડિયામાં કવરેજ થવાથી વોર્નર અને તેની પત્ની કેન્ડિસને ભારે માનસિક પ્રતાડના અને સોશિયલ મીડિયા ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. ભારત અને બાંગ્લાદેશ જેવી ટ્વેન્ટી-૨૦ લીગ રમતા દેશોમાં આ ઘટનાથી તેની વ્યાવસાયિક છબીને મોટું નુકસાન થયું છે. જોકે, ન્યાયાધીશ ક્લેર ફર્નાને આ દલીલો ફગાવતા જણાવ્યું હતું કે, સમાજને દારૂ પીને વાહન ચલાવવા સામે સખત સંદેશ આપવો જરૂરી છે, ખાસ કરીને ત્યારે જ્યારે ગાડીમાં માસુમ બાળકો પણ સવાર હતા.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
