તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026: પીવી સિંધુનો ધમાકેદાર વિજય, કેનેડિયન ખેલાડીને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં કરી ભવ્ય એન્ટ્રી
નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં હોમ ક્રાઉડ સામે સિંધુનો આક્રમક અંદાજ: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વધુ એક મેડલ જીતવા તરફ મજબૂત કદમ

નવી દિલ્હી : ભારતીય બેડમિન્ટનની સ્ટાર શટલર પીવી સિંધુએ નવી દિલ્હી ખાતે રમાઈ રહેલી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૨૬ માં પોતાનો વિજયી રથ આગળ ધપાવ્યો છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં સિંધુએ કેનેડાની વેન યુ ઝાંગને સીધી ગેમ્સમાં ધૂળ ચાટતી કરીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ શાનદાર જીત સાથે જ ઘરઆંગણે રમાઈ રહેલી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભારત માટે વધુ એક વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ મેળવવાની આશા જીવંત રહી છે.
ઘરેલુ ચાહકોના જોરદાર સમર્થન વચ્ચે રમતા પીવી સિંધુએ શરૂઆતથી જ મેચ પર પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. સિંધુએ પોતાની જાણીતી આક્રમક રમત અને શાનદાર શોર્ટ્સ મારફતે રેલીઓ પર નિયંત્રણ મેળવ્યું હતું. પ્રથમ ગેમમાં કેનેડિયન ખેલાડી ઝાંગે વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંધુએ તેને તક આપ્યા વિના પહેલી ગેમ ૨૧-૧૬ થી પોતાના નામે કરી લીધી હતી.
બીજી ગેમમાં પણ દબાણ જાળવી રાખીને મેળવી સીધી જીત
બીજી ગેમમાં પણ ઝાંગ તરફથી કડો મુકાબલો જોવા મળ્યો હતો, પરંતુ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ મહત્વપૂર્ણ ક્ષણોમાં પોતાની માનસિક મજબૂતી અને સંયમ જાળવી રાખ્યો હતો. સતત દબાણ બનાવીને સિંધુએ બીજી ગેમ ૨૧-૧૭ થી જીતીને મેચ સીધી ગેમ્સમાં પોતાના નામે કરી લીધી હતી. આ પહેલાં સિંધુએ પોતાના અભિયાનની શરૂઆતમાં આયર્લેન્ડની સોફિયા નોબલને ૨૧-૭, ૨૧-૧૧ થી માત આપી હતી.
નોંધનીય છે કે ભારતમાં વર્ષ ૨૦૦૯ પછી પહેલીવાર આટલી મોટી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે, જે ૧૭ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં ચાલી રહી છે. ૨૦૧૯ ની વિશ્વ ચેમ્પિયન સિંધુ અત્યાર સુધીમાં આ ટૂર્નામેન્ટમાં કુલ ૫ મેડલ જીતી ચૂકી છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બાદ દેશવાસીઓને આશા છે કે સિંધુ ભારતીય ધરતી પર વધુ એક ગોલ્ડ કે મેડલ પોતાના નામે કરશે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
