હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ: ઇજાને માત આપીને પાછી ફરેલી ટ્રીસા-ગાયત્રીની જોડીનો ધમાકેદાર વિજય, વિશ્વની 7મા ક્રમની જાપાની જોડીને હરાવી ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ
ભારતીય મહિલા ડબલ્સ જોડી મેડલથી હવે માત્ર એક ડગલું દૂર; ઈજામાંથી પુનરાગમન કર્યા બાદ ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે સીધી ગેમ્સમાં જાપાનની દાવેદાર જોડીને ધૂળ ચાટતી કરી

નવી દિલ્હી, તા. 20: ભારતની સ્ટાર મહિલા ડબલ્સ જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાની શાનદાર રમતથી ઇતિહાસ રચવાની દિશામાં વધુ એક મજબૂત કદમ ઉઠાવ્યું છે. ગુરુવારે યોજાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય જોડીએ વિશ્વની 7મા ક્રમાંકિત અને જાપાનની મજબૂત જોડી રિન ઇવાનાગા અને કી નાકાનિશીને સીધી ગેમ્સમાં હરાવીને ક્વાર્ટરફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ જીત સાથે જ ભારતીય જોડી હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ પાકો કરવાથી માત્ર એક જીત દૂર છે.
એકતરફી મુકાબલામાં જાપાની જોડીને ધૂળ ચાટતી કરી
કોર્ટ પર ઉતરતા જ બિનક્રમાંકિત ભારતીય જોડીએ અદ્ભુત તાલમેલ અને આક્રમક રમતનો પરિચય આપ્યો હતો. જાપાનની વિશ્વ નંબર 7 જોડી સામે ટ્રીસા અને ગાયત્રીએ શરૂઆતથી જ દબાણ જાળવી રાખ્યું હતું. તેઓએ માત્ર 21-16, 21-12 ના સ્કોરથી એકતરફી મેચ જીતીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ જીતે બતાવી દીધું છે કે ટ્રીસાની ઈજા બાદ આ જોડી પહેલા કરતા પણ વધુ મજબૂત બનીને ઉભરી છે.
ગંભીર ઈજા અને કઠિન પુનરાગમનની કહાની
આ જીત ટ્રીસા અને ગાયત્રી માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ વર્ષની શરૂઆતમાં એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપ અને ઉબેર કપ પહેલા ટ્રેનિંગ દરમિયાન ટ્રીસાને પગની ઘૂંટીમાં ગંભીર ઈજા થઈ હતી. પ્રેક્ટિસ કરતી વખતે અકસ્માતે પાર્ટનરના પગ પર પગ આવી જતાં ટ્રીસાના પગની ઘૂંટી મરડાઈ ગઈ હતી. MRI રિપોર્ટમાં સ્નાયુઓ અને લિગામેન્ટમાં ગંભીર ઈજાઓ (ટિયર્સ) જોવા મળી હતી. જોકે, કઠોર રિહેબિલિટેશન અને મજબૂત મનોબળના જોરે ટ્રીસાએ વાપસી કરી હતી.
સફળતાનો ભવ્ય ઈતિહાસ
2025 ના અર્જુન એવોર્ડથી સન્માનિત થયેલી આ ભારતીય જોડી અગાઉ પણ વૈશ્વિક મંચ પર ભારતનું નામ રોશન કરી ચૂકી છે. તેઓ 2022 અને 2023 માં સતત બે વર્ષ ઓલ ઇંગ્લેન્ડ ઓપનની સેમિફાઇનલમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત 2022 ના કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઈજામાંથી મુક્ત થયા બાદ તાજેતરમાં જ તેમણે ઇન્ડોનેશિયા ઓપન, યુએસ ઓપન અને ફિલિપાઇન ઇન્ટરનેશનલ ચેલેન્જમાં શાનદાર પ્રદર્શન કરીને પોતા ફોર્મ પાછું મેળવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
