તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
૨૨ વર્ષની કાનૂની લડાઈ બાદ નિર્દોષ જાહેર થતાં પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન ભાવુક: "નકલી કેસે મારી કારકિર્દી અને નોકરી છીનવી લીધી, હવે જીવનમાં આવ્યો નવો યુ-ટર્ન!"
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નકલી યુકે ઇમિગ્રેશન સ્ટેમ્પ કેસમાં વડોદરાના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરને આપાઈ ક્લીન ચીટ; પુરાવાના અભાવે તમામ આરોપોમાંથી મુક્ત કરાયા.

વડોદરા, તા.૨૧: ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા અને વડોદરાના રહીશ પૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિન માટે ૨૨ વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ અંતે ન્યાયનો સૂરજ ઊગ્યો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે વર્ષ ૨૦૦૪ ના ચર્ચિત અને વિવાદાસ્પદ નકલી યુકે ઇમિગ્રેશન સ્ટેમ્પ કેસમાં માર્ટિનને તમામ આરોપોમાંથી નિષ્દોષ જાહેર કરીને મોટી રાહત આપી છે. આઈપીસીની કલમ ૪૨૦, ૪૬૮, ૪૭૧, ૧૨૦-બી અને પાસપોર્ટ એક્ટ હેઠળ નોંધાયેલી એફઆઈઆરમાં કોર્ટે નોંધ્યું હતું કે માર્ટિન સામે કોઈ નક્કર કે વિશ્વસનીય પુરાવા મળી આવ્યા નથી.
કોર્ટે અવલોકન કર્યું કે નાણાકીય વ્યવહારો કે અજવા સ્પોર્ટ્સ ક્લબની માલિકી અને નિયંત્રણ અંગે પ્રોસિક્યુશન કોઈ સાબિતી રજૂ કરી શક્યું નથી, તેમજ મોટાભાગના સાક્ષીઓ પણ આરોપો પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
શું હતો સમગ્ર વિવાદ?
અદાલતમાંથી નિર્દોષ છૂટ્યા બાદ માધ્યમો સાથે વાત કરતા જેકબ માર્ટિને તે કાળા દિવસો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "વર્ષ ૨૦૦૪ માં મારી એક ક્લબ ટીમ રમત માટે યુકે (ઈંગ્લેન્ડ) ગઈ હતી. પ્રવાસ પૂરો થયા બાદ ટીમના તમામ સભ્યો ભારત પરત ફર્યા હતા, પરંતુ એક ખેલાડી ૬ મહિનાના વિઝા પૂરા થયા પછી પણ ત્યાં જ રોકાઈ ગયો હતો. તેણે ત્યાં સ્થાનિક સ્તરે કોઈ પાસે નકલી સ્ટેમ્પિંગ કરાવ્યું હતું. જ્યારે તેને ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યો અને દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર તેની પૂછપરછ થઈ, ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો."
"મોટું નામ હોવાને કારણે મને બલિનો બકરો બનાવાયો"
માર્ટિને આક્રોશ અને દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, "મૂળ એફઆઈઆરમાં મારું નામ પણ નહોતું. પરંતુ હું એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હતો અને મારું નામ મોટું હતું, તેથી તપાસ દરમિયાન જાણીબુઝીને મારું નામ ઘસેડવામાં આવ્યું હતું. આ ૨૨ વર્ષ દરમિયાન મેં અસહ્ય માનસિક તણાવ ભોગવ્યો છે. બીસીસીઆઈ (BCCI) તરફથી મને કોઈ સહયોગ ન મળ્યો અને મેં રેલવેમાં મારી સરકારી નોકરી પણ ગુમાવી દીધી હતી."
તેમણે ઉમેર્યું કે, ૨૨ વર્ષના લાંબા વિલંબ બાદ આવેલો આ ચુકાદો તેમના માટે માત્ર એક ક્લીન ચીટ નથી, પરંતુ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા માટે જીવનનો એક ખૂબ મોટો 'યુ-ટર્ન' છે.
ઉલ્લેખનીય છે કે જમણેરી બેટ્સમેન જેકબ માર્ટિને ભારત માટે ૧૦ એકદિવસીય (ODI) આંતરરાષ્ટ્રીય મેચો રમીને ૨૨.૫૭ ની સરેરાશથી ૧૫૮ રન બનાવ્યા છે અને રણજી ટ્રોફીમાં વડોદરાની ટીમનું સફળ નેતૃત્વ પણ કર્યું છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
