News of Saturday, 22nd August 2026
૧૭ વર્ષ જૂનો રેકોર્ડ ધરાશાયી: ચીની હ્યુમનોઇડ રોબોટ 'લાઇટનિંગ' એ ૧૦૦ મીટરની દોડમાં યુસૈન બોલ્ટને પાછળ છોડ્યો
માનવ-મશીન સ્પર્ધા ક્ષેત્રે નવી ક્રાંતિ; ઓનર (Honor) કંપનીના રોબોટે માત્ર ૯.૩૨ સેકન્ડમાં ૧૦૦ મીટર અંતર કાપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

બેઇજિંગ : રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં એક અત્યંત ચોંકાવનારો અને ઐતિહાસિક બનાવો સામે આવ્યો છે. ચીનની જાણીતી સ્માર્ટફોન તથા ટેકનોલોજી કંપની 'ઓનર' (Honor) દ્વારા વિકસાવવામાં આવેલા હ્યુમનોઇડ રોબોટ 'લાઇટનિંગ' (Lightning) એ શનિવારે ૧૦૦ મીટરની દોડ માત્ર ૯.૩૨ સેકન્ડમાં પૂર્ણ કરીને વિશ્વના સૌથી ઝડપી માનવ દોડવીર યુસૈન બોલ્ટનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નોંધનીય છે કે, જમૈકન એથ્લેટ યુસૈન બોલ્ટે વર્ષ ૨૦૦૯માં બર્લિન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૯.૫૮ સેકન્ડમાં ૧૦૦ મીટર દોડીને વર્લ્ડ રેકોર્ડ સેટ કર્યો હતો, જેને છેલ્લા ૧૭ વર્ષથી કોઈ માનવ એથ્લેટ તોડી શક્યો નથી.
અહેવાલો અનુસાર, આ રેસ દરમિયાન 'લાઇટનિંગ' રોબોટે પ્રતિ સેકન્ડ ૧૪.૫ મીટરની તોફાની ઝડપ પ્રાપ્ત કરી હતી. આ રોબોટે અગાઉ એપ્રિલ મહિનામાં ૨૧ કિલોમીટરની આપ હાફ-મેરેથોન પણ માત્ર ૫૦ મિનિટ અને ૨૬ સેકન્ડમાં પૂર્ણ કરી પોતાની ક્ષમતા સાબિત કરી હતી. 'વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ' માં ભાગ લેતા પહેલાં સંશોધકોએ તેની દોડવાની ઝડપ વધારવા માટે રોબોટના પગની લંબાઈમાં ૧૦ સેન્ટિમીટરનો વધારો કરીને ૧.૦૫ મીટર કરી હતી, જેના કારણે તે ટ્રેક પર વધુ સ્પીડ પકડી શક્યો હતો.
આ સિદ્ધિ ભલે સત્તાવાર એથ્લેટિક્સમાં માનવીય વર્લ્ડ રેકોર્ડ તરીકે ગણાશે નહીં, પરંતુ તે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મશીનોની વધતી જતી અદ્ભુત શારીરિક ક્ષમતા દર્શાવે છે. ચીન સરકાર અને ટેક કંપનીઓનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં આવા અત્યાધુનિક હ્યુમનોઇડ રોબોટ્સનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ અને ગ્રાહક સેવા જેવા મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં વ્યાપકપણે કરવાનો છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
