<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

કોલંબો ટેસ્ટમાં ભારતીય બોલરોનો ઓલઆઉન્ડ ધમાકો: શ્રીલંકા પર ફોલો-ઓનનો ખતરો, સોનલ દિનુષાની એકલી લડત છતાં યજમાન ટીમ મુશ્કેલીમાં

પ્રસિદ્ધ કૃષ્ણા અને માનવ સુથારની ધારદાર બોલિંગ સામે શ્રીલંકન બેટિંગ લાઇન-અપ ધરાશાયી: ભારત મેચ પર મજબૂત પકડ સાથે જીત તરફ આગળ વધ્યું.

કોલંબો, તા.૨૫: ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ જાળવી રાખ્યું છે. મેચના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતના ૫૦૩/૯ ના વિશાળ સ્કોરના જવાબમાં શ્રીલંકાની ટીમ પ્રથમ ઇનિંગમાં ૨૬૫/૮ નો સ્કોર બનાવી શકી છે અને હજુ પણ ફોલો-ઓન ટાળવા માટે તેમને ૩૮ રનની જરૂર છે. વરસાદના વિઘ્ન વચ્ચે ત્રીજા દિવસની રમત વહેલી પૂરી જાહેર કરવામાં આવી હતી.

 

શ્રીલંકા તરફથી સોનલ દિનુષાએ એક છેડો સાચવી રાખીને ૮૫ રન (૧૩૭ બોલ, ૬ ચોગ્ગા, ૨ છગ્ગા) બનાવી અણનમ લડત આપી છે. તેની સાથે લાહિરુ કુમારા ૮ રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યો છે. આ પહેલા પાસિન્દુ સૂરિયાબંદારાએ ૮૦ રન અને કમિન્ડુ મેન્ડિસે ૩૨ રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, પરંતુ ભારતીય બોલરો સામે તેઓ લાંબો સમય ટકી શક્યા નહોતા. ભારત તરફથી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને સ્પિનર માનવ સુથારે શાનદાર બોલિંગ કરીને શ્રીલંકાના ટોપ અને મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે પણ મહત્વની સફળતાઓ મેળવી હતી.

 

આ પહેલાં ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં ૫૦૩/૯ નો વિશાળ સ્કોર બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી દેવદત્ત પડિકલે ૧૧૭ રન અને વિકેટકીપર ધ્રુવ જુરેલે અણનમ ૧૧૫ રનની દિલધડક સદી ફટકારી હતી. જ્યારે કેપ્ટન શુભમન ગિલે ૫૦ રન અને ઋષભ પંતે ૬૩ રનનું આક્રમક યોગદાન આપ્યું હતું.

 

મેચના ચોથા દિવસે ભારતીય બોલરો શ્રીલંકાના બાકીના બે વિકેટ ઝડપથી ઝડપીને તેમને ફોલો-ઓન આપવાના અને આ ટેસ્ટ મેચમાં મોટી જીત નોંધાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

(5:54 PM IST)