<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

બુમરાહે સિંહાસન ગુમાવ્યું: ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક ૧૫ વર્ષની કરિયરમાં પહેલીવાર બન્યો વિશ્વનો નંબર-૧ ટેસ્ટ બોલર!

બાંગ્લાદેશ સામે ૧૦ વિકેટ ઝડપીને રેન્કિંગમાં મારી વિરાટ છલાંગ: શ્રીલંકા પ્રવાસમાં ગેરહાજર રહેતા જસપ્રીત બુમરાહ બીજા ક્રમે ફેંકાયો

દુબઈ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતીય ફાસ્ટ બોલિંગના આગેવાન જસપ્રીત બુમરાહે લાંબા સમય બાદ પોતાનું સર્વોચ્ચ સ્થાન ગુમાવ્યું છે. ઓસ્ટ્રેલિયાના ૩૬ વર્ષીય અનુભવી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે બુમરાહને પછાડીને પોતાના ૧૫ વર્ષના ટેસ્ટ કરિયરમાં પહેલી જ વાર વિશ્વના નંબર-૧ બોલર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

 

બાંગ્લાદેશ સામેના ધમાકેદાર પર્ફોર્મન્સનો મળ્યો લાભ

મિચેલ સ્ટાર્કે તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ઘાતક બોલિંગ કરતા બંને ઇનિંગ્સ મળીને કુલ ૧૦ વિકેટો ઝડપી હતી. આ યાદગાર પ્રદર્શનના દમ પર તે રેન્કિંગમાં સીધો ત્રીજા નંબરથી છલાંગ લગાવીને મોખરે પહોંચી ગયો છે. બીજી તરફ, ભારતીય બોલર જસપ્રીત બુમરાહ ફિટનેસની સમસ્યાના કારણે શ્રીલંકા પ્રવાસે જઈ શક્યો ન હોવાથી તેને રેટિંગ પોઈન્ટ્સનું નુકસાન વેઠવું પડ્યું છે.

 

આવો છે પોઈન્ટ્સનો આંકડો

હાલ જાહેર થયેલી નવી યાદી મુજબ, મિચેલ સ્ટાર્ક ૮૭૨ રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ ક્રમે પહોંચી ગયો છે, જ્યારે જસપ્રીત બુમરાહ ૮૬૨ પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને સરકી ગયો છે. ન્યૂઝીલેન્ડનો મેટ હેનરી (૮૬૧ પોઈન્ટ્સ) ત્રીજા ક્રમે છે.

 

વર્ષ ૨૦૧૧માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કરનાર સ્ટાર્કે અત્યાર સુધી રમ્યા ૧૦૭ ટેસ્ટ મુકાબલામાં ૪૪૫ વિકેટો ઝડપી છે. આ સિવાય તેના નામે વન-ડેમાં ૨૪૭ અને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૯ વિકેટો નોંધાયેલી છે.

(6:22 PM IST)