તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
પાકિસ્તાન ક્રિકેટમાં ફરી રાજકારણ અને પક્ષપાતનો બોમ્બ ફૂટ્યો: ઝડપી બોલર શાહનવાઝ દહાનીએ આદિવાસી નેતાને મળી સિલેક્શન કમિટી સામે ખોલ્યો મોરચો
પીસીબી (PCB) ની પસંદગી પ્રક્રિયામાં સગાવાદ અને પૂર્વગ્રહના આરોપોથી સસનાટી; ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરવા છતાં ટીમમાંથી બહાર રાખવા સામે દહાનીએ ઉઠાવ્યા ગંભીર સવાલો.

ઇસ્લામાબાદ તા.28: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને તેની નેશનલ સિલેક્શન કમિટી ફરી એકવાર મોટા વિવાદો અને વિવાદસ્પદ નિર્ણયોના ઘેરાવમાં આવી ગઈ છે. પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહનવાઝ દહાનીએ રાષ્ટ્રીય ટીમની પસંદગી પ્રક્રિયા પર સગાવાદ, પક્ષપાત અને પૂર્વગ્રહ ધરાવતા હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા બાદ દહાનીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે ખુલ્લેઆમ સિલેક્ટર્સના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે.
વાયરલ થયેલા આ વિડિયોમાં દહાની પાકિસ્તાનના પ્રભાવશાળી રાજકારણી અને આદિવાસી નેતા મીર નાદિર અલી મગસીને મળીને પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યો છે. તેણે નેતા સમક્ષ ફરિયાદ કરતાં જણાવ્યું કે, પાકિસ્તાની ટીમમાં રમવા માટે ખેલાડીના પ્રદર્શનને બદલે સગાવાદ અને વ્યક્તિગત પસંદગી-નાપસંદગીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. દેશનું ક્રિકેટ બોર્ડ ઘરેલુ ક્રિકેટમાં સતત પરસેવો પાડી રહેલા ખેલાડીઓની મહેનતની ઘોર ઉપેક્ષા કરી રહ્યું છે.
દહાનીએ પોતાના પ્રદર્શનનો હવાલો આપતા કહ્યું કે, તેણે વર્ષ 2023 થી સતત ત્રણ ઘરેલુ સિઝનમાં સૌથી વધુ વિકેટો ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યું છે અને ડોમેસ્ટિક રેન્કિંગમાં મોખરે રહ્યો છે. તેમ છતાં સિલેક્શન કમિટી પાસે તેને આંતરરાષ્ટ્રીય ટીમથી દૂર રાખવાનું કોઈ યોગ્ય કે માન્ય કારણ નથી. તેણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો ડોમેસ્ટિક ક્રિકેટના આંકડા અને દમદાર પ્રદર્શન જ રાષ્ટ્રીય ટીમમાં જગ્યા અપાવી શકતા ન હોય તો ખેલાડીઓએ રણજી કે ફર્સ્ટ ક્લાસ મેચો રમવાનો શો અર્થ?
પાકિસ્તાની ફાસ્ટ બોલર દ્વારા આ રીતે જાહેરમાં આવીને રાજકીય નેતાના શરણે જઈ બોર્ડ સામે મોરચો માંડવો એ ખેલાડીઓમાં વધી રહેલી ઘોર હતાશા દર્શાવે છે. પહેલાથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે ખરાબ પ્રદર્શન કરી રહેલી પાકિસ્તાન ટીમ માટે આ વિવાદે નવું નાટક ઊભું કર્યું છે. હવે પીસીબી અને સિલેક્શન કમિટી સામે દહાનીના આ સનસનાટીભર્યા આક્ષેપો અંગે જવાબો આપવાનું ભારે દબાણ ઊભું થયું છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
