તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
મહિલા ક્રિકેટમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓની એન્ટ્રી પર ભારે હોબાળો: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિર્ણય બાદ અનાયા બાંગરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીએ મચાવી સનસનાટી
દક્ષિણ આફ્રિકાની સ્ટાર ઓલરાઉન્ડર મરિઝાન કેપે નિર્ણયને ગણાવ્યો 'હાસ્યાસ્પદ'; પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની પુત્રી અનાયાએ ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ.

નવી દિલ્હી : મહિલા ક્રિકેટ ક્ષેત્રે ટ્રાન્સજેન્ડર ખેલાડીઓની ભાગીદારી અને રમતમાં ન્યાયી સ્પર્ધાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવો વિવાદ છેડાઈ ગયો છે. ભારતના પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોચ સંજય બાંગરની પુત્રી અનાયા બાંગરને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) દ્વારા સ્થાનિક સમુદાય (Community) અને પ્રીમિયર ક્રિકેટ રમવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે. આ નિર્ણય સામે વિરોધના સૂર ઊઠતાં જ અનાયાએ ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય (Cryptic) સ્ટોરી શેર કરીને વળતો પ્રહાર કર્યો છે.
અનાયાએ પોતાની સોશિયલ મીડિયા સ્ટોરીમાં ટૂંકો પરંતુ આકરો સવાલ પૂછતાં લખ્યું હતું કે, "તમે ક્યાં છો તે સમુદાય?" (Community where you at?). આ પોસ્ટ અનાયાએ ત્યારે મૂકી જ્યારે દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટર મરિઝાન કેપે જાહેરમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયની સખત શબ્દોમાં ટીકા કરી હતી. કેપે મહિલા ક્રિકેટમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓના સમાવેશ સામે સવાલો ઉઠાવતાં આ નિર્ણયને "એકદમ હાસ્યાસ્પદ" ગણાવ્યો હતો.
જેન્ડર અફર્મેશન સર્જરી કરાવ્યા બાદ સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરવા માંગતી અનાયા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય એક અત્યંત મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સીએ (CA) ની વર્તમાન નીતિ મુજબ, અનાયા અત્યારે ઓસ્ટ્રેલિયાના રાજ્યોમાં કોમ્યુનિટી ક્રિકેટ રમી શકશે. જ્યારે માર્ચ ૨૦૨૭ થી ચુનંદા (Elite) મહિલા ક્રિકેટ અને મહિલા બિગ બેશ લીગ (WBBL) માં રમવા માટે તેની પાત્રતાનું મૂલ્યાંકન જનડર-ડાયવર્સ ખેલાડીઓની નીતિ હેઠળ કરવામાં આવશે.
અનાયા બાંગરનો આ માર્ગ હવે રમત ગમતના ક્ષેત્રમાં સમાનતા, સમાવેશ અને જૈવિક યોગ્યતા પર એક નવી વૈશ્વિક બહેસ તરફ દોરી ગયો છે. એક તરફ જ્યાં કેટલાક લોકો તેના આ પુનરાગમનને આવકારી રહ્યા છે, તો બીજી તરફ મહિલા ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ રમતની સ્પર્ધાત્મકતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ રમવાની તક મળ્યા બાદ અનાયા ૨૦૨૭ સુધીમાં એલીટ ક્રિકેટના માપદંડો પૂર્ણ કરી શકે છે કે નહીં.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
