<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ: ૫૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો, પરંતુ સચિન તેંડુલકરનો મહાન રેકોર્ડ માત્ર ૮ રનથી ચુકી ગયો

૧૫ વર્ષની વયે ૪૨ બોલમાં અડધી સદી ફટકારી સૌથી યુવા ખેલાડી બન્યો; સેન્ટ્રલ ઝોન સામે ૮૧ બોલમાં ૯૨ રનની તોફાની ઇનિંગ રમી પેવેલિયન ભેગો થયો

બેંગલુરુ, તા.૩૧: ભારતીય ઘરેલુ ક્રિકેટની પ્રતિષ્ઠિત દુલીપ ટ્રોફી ૨૦૨૬માં ૧૫ વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની તાબડતોબ બેટિંગથી સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. સેન્ટ્રલ ઝોન વિરૂદ્ધ રમાઈ રહેલી પ્રથમ સેમિફાઇનલ મેચમાં ઇસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે માત્ર ૮૧ બોલમાં ૭ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૯૨ રનની તોફાની ઇનિંગ રમી હતી. પોતાની આ વિસ્ફોટક ઇનિંગ દરમિયાન તેણે લક્ષ્મણ સિંહનો ૫૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડીને દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી નાની વયે અડધી સદી ફટકારવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. વૈભવે આ સિદ્ધિ ૧૫ વર્ષ અને ૧૫૭ દિવસની ઉંમરે મેળવી છે.

જોકે, વૈભવ સૂર્યવંશી એક વધુ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરતા કમનસીબે ચૂકી ગયો હતો. જો તેણે વધુ ૮ રન બનાવીને પોતાની સદી પૂરી કરી લીધી હોત, તો તે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી નાની વયનો ખેલાડી બની ગયો હોત. હાલ આ રેકોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે, જેમણે ૧૯૯૦/૯૧ની સીઝનમાં ૧૭ વર્ષ અને ૨૬૨ દિવસની ઉંમરે સદી ફટકારી હતી. આ ઉપરાંત, સદી પૂર્ણ કરી હોત તો તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સદી ફટકારનાર ભારતનો બીજો સૌથી યુવા ખેલાડી પણ બન્યો હોત.

મેચની વિગત મુજબ, સેન્ટ્રલ ઝોનનો પ્રથમ દાવ ૮૦.૧ ઓવરમાં સમેટાયા બાદ ઇસ્ટ ઝોન માટે વૈભવ સૂર્યવંશી અને અભિમન્યુ ઈશ્વરને (૬૯ રન) પ્રથમ વિકેટ માટે ૧૬૧ રનની મજબૂત ભાગીદારી કરી હતી. લંચ પહેલા જ પોતાની સદી પૂરી કરવાના પ્રયાસમાં વૈભવ ૨૬મી ઓવરમાં સ્પિનર હર્ષ દુબેના બોલ પર મોટો શોટ રમવા જતાં બાઉન્ડ્રી પર અરશદ ખાનના હાથે કેચ આઉટ થયો હતો. નર્વસ નાઇન્ટીઝમાં આઉટ થઈને સેન્ચુરી ચૂકી જતાં આ યુવા ઓપનર ભારે નિરાશ દેખાયો હતો.

(3:36 PM IST)