તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st August 2026
પાકિસ્તાની ક્રિકેટમાં ફરી મોટો ભૂકંપ: ઇંગ્લેન્ડ સામે શરમજનક હાર બાદ મોહમ્મદ રિઝવાન અને ઇમામ-ઉલ-હક ટીમમાંથી બહાર!
એજબેસ્ટનમાં રમાનારી અંતિમ ટેસ્ટ પહેલા પાકિસ્તાન ટીમમાં સર્જાયો ભારે વિવાદ: ફ્લોપ પ્રદર્શન અને શંકાસ્પદ ઇજા વચ્ચે આક્રમક બેટ્સમેનોને વતન ભેગા કરાયા

લંડન : ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સતત બે શરમજનક પરાજય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં મોટો ભૂકંપ આવ્યો છે. શ્રેણીમાં ૨-૦થી પાછળ પડી ગયેલી પાકિસ્તાની ટીમમાંથી સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ઓપનર ઇમામ-ઉલ-હકને બહારનો રસ્તો બતાવી દેવાયો છે. એજબેસ્ટન ખાતે રમાનારી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા જ આ બંને ખેલાડીઓને સ્વદેશ પાછા મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રિઝવાનનું ફ્લોપ પ્રદર્શન અને ઇમામની 'શંકાસ્પદ' ઇજા
રિઝવાન સમગ્ર શ્રેણી દરમિયાન રન બનાવવા માટે ઝઝૂમતો જોવા મળ્યો હતો, તેણે ચાર ઇનિંગ્સમાં માત્ર ૬૧ રન જ બનાવ્યા હતા. બીજી તરફ, લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન ઇમામ-ઉલ-હકને પગમાં ઈજા (Calf Strain) થતાં તે બેટિંગ માટે આવ્યો જ નહોતો. જોકે, આ ઈજાને લઈને હવે મોટો વિવાદ ઊભો થયો છે. ભૂતપૂર્વ ક્રિકેટરોએ દાવો કર્યો છે કે ઇમામ ટેસ્ટ દરમિયાન પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો, જેનાથી તેની ઈજાની ગંભીરતા સામે સવાલો ઊભા થયા છે અને PCB આ અંગે તપાસ પણ કરી શકે છે.
ટીમમાં યુવા લોહીનો સમાવેશ, કોચિંગમાં પણ ફેરફારની શક્યતા
શ્રેણીમાં ૩-૦થી ક્લીન સ્વીપ થતી બચાવવા માટે પીસીબી હવે આકરા નિર્ણયો લઈ રહ્યું છે. રિઝવાન અને ઇમામની જગ્યાએ સૈમ અયુબ, અરાફત મિન્હાસ અને અબ્દુલ્લા ફઝલ જેવા યુવા ખેલાડીઓને ઇંગ્લેન્ડ બોલાવવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં, અંતિમ ટેસ્ટ માટે ટીમ મેનેજમેન્ટમાં પણ મોટો ફેરફાર થઈ શકે છે અને વાહાઇટ બોલના હેડ કોચ માઇક હેસનને ટેસ્ટ ટીમની જવાબદારી સોંપાઈ શકે છે.
૯ સપ્ટેમ્બરે બર્મિંગહામમાં આબરૂ બચાવવાનો આખરી જંગ
હેડિંગ્લી ખાતેની પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સ અને ૧૦૩ રને હાર્યા બાદ લોર્ડ્સમાં પણ પાકિસ્તાન ૧૯૪ રને ધૂળ ચાટતું થઈ ગયું હતું. હવે ૯ સપ્ટેમ્બરથી એજબેસ્ટન ખાતે શરૂ થતી ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન પોતાની શાખ બચાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
