<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

50 ઓવરમાં સીધા 950 રન! :સ્ક્રીન પર ‘પ્રોજેક્ટેડ સ્કોર’નો આંકડો જોઈ ક્રિકેટ જગત હલબલી ગયું

ટ્રાય-સિરીઝના ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીની 94 રનની ઇનિંગ્સે માત્ર ભારતને ખિતાબ જીતવાની નજીક પહોંચાડ્યું નહીં, પરંતુ સોશિયલ મીડિયા ઇતિહાસમાં પણ એક એવી યાદગાર ક્ષણ ઉમેરાવી,

નવી દિલ્હી: ઇન્ડિયા ટીમ એ અને શ્રીલંકા ટીમ A વચ્ચે રમાયેલી વનડે ટ્રાઈ સીરિઝની ફાઈનલ મેચમાં 15 વર્ષના યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ ઇતિહાસને હચમચાવી મૂક્યો છે. મેચ દરમિયાન ટીવી સ્ક્રીન પર એક એવો આંકડો આવ્યો, જેણે ન માત્ર કોમેન્ટેટર પરંતુ ક્રિકેટ ફેન્સને પણ ચોંકાવી દીધા છે. આ આંકડો રિફ્લેક્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે

વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં શ્રીલંકાના બોલરોનો ભુક્કા કાઢી નાખ્યા અને માત્ર 11 બોલમાં પોતાની અડધી સદી (50 રન) પૂર્ણ કરી. આ લિસ્ટ-એ અને અંડર-19 ક્રિકેટના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી ઝડપી અડધી સદી છે. આ પહેલાં વિશ્વનો કોઈપણ મોટો દિગ્ગજ બેટ્સમેન 11 બોલમાં 50 રન સુધી પહોંચી શક્યો નહોતો. વૈભવ અહીં જ અટક્યો નહીં, તેણે પોતાની આ તોફાની ઇનિંગ્સમાં કુલ 29 બોલનો સામનો કરીને 324.14ના અવિશ્વસનીય સ્ટ્રાઈક રેટથી 94 રન ફટકાર્યા. આ ઐતિહાસિક ઇનિંગ્સ દરમિયાન તેમના બેટમાંથી 10 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા.

આ મેચની સૌથી મોટી હાઇલાઇટ તે ક્ષણ હતી, જેણે સમગ્ર ક્રિકેટ જગતને નવાઈમાં મૂકી દીધું. જ્યારે વૈભવ માત્ર 12 બોલમાં 54 રન બનાવી ચૂક્યો હતો, ત્યારે બ્રોડકાસ્ટર્સે ટીવી સ્ક્રીન પર ‘પ્રોજેક્ટેડ સ્કોર’નો આંકડો બતાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ગ્રાફિક અનુસાર, જો ભારતીય ટીમ વૈભવની તે જ રનની ગતિ સાથે આખી ઇનિંગ્સ દરમિયાન બેટિંગ કરતી રહે, તો ટીમ ઇન્ડિયાનો સંભવિત સ્કોર 950 રન સુધી પહોંચી શકે. વનડે (50 ઓવર) ક્રિકેટના ઇતિહાસમાં આજે સુધી 500 રનનો આંકડો પણ હકીકત બન્યો નથી, ત્યારે સ્ક્રીન પર 950નો આંકડો જોવો જાણે કોઈ ફેન્ટસી ગેમ જેવું લાગતું હતું.

ભારતે માત્ર 4 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વગર 74 રન બનાવી લીધા હતા. એટલે કે ટીમ લગભગ પ્રતિ ઓવર 19 રનની ઝડપે સ્કોર કરી રહી હતી. જેવો ટીવી સ્ક્રીન પર 950 રનનો પ્રોજેક્ટેડ સ્કોર દેખાયો, તેની સાથે X (ટ્વિટર), ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મીમ્સ અને કોમેન્ટ્સનો વરસાદ શરૂ થઈ ગયો. ચાહકો આ અવિશ્વસનીય સ્ક્રીનશોટને શેર કરવા લાગ્યા.

એક યુઝરે લખ્યું, “મારી આખી જિંદગીમાં મેં ક્યારેય વનડે મેચમાં 950 રનનો પ્રોજેક્ટેડ સ્કોર જોયો નથી. આ છોકરો માણસ છે કે પછી કોઈ વીડિયો ગેમનો કેરેક્ટર?” કમેન્ટેટર્સ માટે પણ આ દ્રશ્યને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ બની રહ્યું હતું. ઘણા લોકોએ મજાકમાં લખ્યું, “આજે કમેન્ટેટર્સ માટે સૌથી મુશ્કેલ દિવસ છે, કારણ કે વૈભવની બેટિંગનું વર્ણન કરવા માટે તેમની ડિક્શનરીમાં શબ્દો ખૂટી પડ્યા છે.” કેટલાક ફેન્સે લખ્યું કે આવો સ્કોર તો માત્ર ક્રિકેટ વિડિયો ગેમ્સમાં જ શક્ય લાગે, પરંતુ વૈભવે તેને વાસ્તવિક જીવનમાં શક્ય બનાવી બતાવ્યો.

શ્રીલંકાના બોલર્સની ધોલાઈ જોઈને સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ બન્યા. કેટલાક ચાહકોએ મજાકમાં લખ્યું કે વૈભવે તો બોલર્સના કરિયર પર જ સંકટ ઊભું કરી દીધું છે. ક્રિકેટ નિષ્ણાતોથી લઈને સામાન્ય ચાહકો સુધી, દરેક વ્યક્તિ વૈભવને ભારતીય ક્રિકેટનો આગામી વિરેન્દ્ર સહેવાગ ગણાવવા લાગી. તેમની આ ઇનિંગ્સ માત્ર મેચ જીતાડનારી ઇનિંગ નહોતી, પરંતુ આધુનિક ક્રિકેટની બદલાતી વ્યાખ્યાનું જીવંત ઉદાહરણ હતી.

આટલી નાની ઉંમરે આટલો નીડર અને આક્રમક અભિગમ દર્શાવવો એ સાબિત કરે છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કેટલા સુરક્ષિત અને મજબૂત હાથોમાં છે. ટ્રાય-સિરીઝના ફાઇનલમાં તેની 94 રનની ઇનિંગ્સે માત્ર ભારતને ખિતાબ જીતવાની નજીક પહોંચાડ્યું નહીં, પરંતુ સોશિયલ મીડિયા ઇતિહાસમાં પણ એક એવી યાદગાર ક્ષણ ઉમેરાવી, જેને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. 950 રનનો તે પ્રોજેક્ટેડ સ્કોર ભલે માત્ર ગાણિતિક અંદાજ હતો, પરંતુ વૈભવની બેટિંગે થોડી પળો માટે આખી દુનિયાને આ અશક્ય લાગતા આંકડામાં વિશ્વાસ કરવા મજબૂર કરી દીધી હતી.

(10:04 PM IST)