<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

ક્રિકેટના મેદાનમાં ધમાલ મચાવ્યા બાદ હવે મનોરંજનની દુનિયામાં 'હિટમેન'નો હેલિકોપ્ટર શૉટ: રોહિત શર્મા OTT પ્લેટફોર્મ પર કરશે ગ્રાન્ડ એન્ટ્રી

T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ પૂર્વ કેપ્ટનનો નવો અવતાર: સોની લિવ પર રિલીઝ થશે રોહિત શર્માનો એન્ટરટેઈનમેન્ટ શો, વાયરલ ડાયલોગ 'ગાર્ડન મેં નહીં ઘૂમેગા' પર આધારિત ટીઝરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને 'હિટમેન' તરીકે જાણીતા રોહિત શર્મા હવે બેટ અને બોલના બદલે મનોરંજનના માઈક્રોફોન સાથે ડિજિટલ પડદા પર છવાઈ જવા માટે તૈયાર છે. એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડમાં રોહિત શર્માની એન્ટ્રીના સમાચાર આવતા જ તેના કરોડો ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. તાજેતરમાં જ રોહિત શર્માના આગામી ઓટીટી (OTT) શોનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે, જેણે રિલીઝ થતાની સાથે જ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ શો દ્વારા રોહિત શર્મા ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ (SonyLIV) પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

રિલીઝ થયેલા ૧ મિનિટ ૪૦ સેકન્ડના રસપ્રદ ટીઝરમાં રોહિત શર્મા એક કેફે જેવી જગ્યાએ બેઠેલો જોવા મળે છે, જ્યાં તેને મળવા આવતા દરેક લોકો તેના વાયરલ થયેલા ડાયલોગ 'કોઈ ગાર્ડન મેં નહીં ઘૂમેગા' બોલવાની વિનંતી કરે છે. ઉલ્લેખનીય છે કે, રોહિતે આ વાક્ય ક્રિકેટ પિચ પર સાથી ખેલાડીઓને ઉદ્દેશીને કહ્યું હતું જે સ્ટમ્પ માઈકમાં કેપ્ચર થઈ ગયું હતું. ટીઝરના અંતમાં રોહિત કંટાળીને કેમેરા સામે જોતા કહે છે કે, જો તેની બગીચાવાળી એક લાઈન આટલી વાયરલ થઈ શકે છે, તો જ્યારે તેનો આખો શો આવશે ત્યારે શું થશે? આ ડાયલોગ સાથે જ ચાહકોમાં શો વિશેની ઉત્સુકતા અનેકગણી વધી ગઈ છે.

ભારતીય ક્રિકેટ જગતમાં રોહિત શર્મા પહેલો એવો ખેલાડી નથી જે મનોરંજનના ક્ષેત્રમાં હાથ અજમાવી રહ્યો હોય. આ પહેલા સૌરવ ગાંગુલી, હરભજન સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ જેવા દિગ્ગજ ક્રિકેટરો પણ ટીવી અને એન્ટરટેઈનમેન્ટ શોમાં પોતાની પ્રતિભા બતાવી ચુક્યા છે. જોકે, રોહિત શર્માનો આ શો કયા ફોર્મેટમાં હશે અને તેમાં અન્ય કયા કલાકારો જોવા મળશે તે અંગેની વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. અત્યારે તો હિટમેનના આ નવા અવતારને આવકારવા માટે ઓટીટીની દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી છે.

(11:50 AM IST)