તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
ઇંગ્લેન્ડ ક્રિકેટમાં નવો અધ્યાય: સ્ટીફન ફ્લેમિંગ બન્યા નવા ટેસ્ટ હેડ કોચ, જો રૂટને ફરી સોંપાઈ કેપ્ટનશીપ!
ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વાર IPL ચેમ્પિયન બનાવનાર ફ્લેમિંગ હવે ઇંગ્લેન્ડને આપશે ટ્રેનિંગ: ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ મેકકુલમના રાજીનામા પછી લેવાયો મોટો નિર્ણય

લંડન : ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં 2-1 થી થયેલી પરાજય બાદ બ્રેન્ડન મેકકુલમના રાજીનામાથી ખાલી પડેલી જગ્યા પર ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ મોટો દાવ ખેલ્યો છે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના સફળ કોચ સ્ટીફન ફ્લેમિંગને ઇંગ્લેન્ડ પુરુષ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ ઇંગ્લેન્ડના સૌથી અનુભવી ખેલાડી જો રૂટને ફરી એકવાર ટેસ્ટ ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે.
53 વર્ષીય સ્ટીફન ફ્લેમિંગ પાસે કોચિંગનો વિશાળ અનુભવ છે. તેમણે સીએસકે સાથે 18 વર્ષ ગાળ્યા છે અને ટીમને 5 વખત આઇપીએલ ટ્રોફી જીતાડી છે. ફ્લેમિંગ પાકિસ્તાન સામેની શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી ઇંગ્લેન્ડ ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે. નવી જવાબદારી સંભાળતા ફ્લેમિંગે જણાવ્યું હતું કે, "વિશ્વ ક્રિકેટમાં ટેસ્ટ કોચની આ સૌથી પ્રતિષ્ઠિત ભૂમિકામાંથી એક છે, અને જો રૂટ જેવા મહાન ખેલાડી સાથે મળીને યુવા ખેલાડીઓને તૈયાર કરવા માટે હું અત્યંત ઉત્સાહિત છું."
બીજી તરફ, 2017 થી 2022 સુધી 65 ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડનું નેતૃત્વ કરનાર અને 27 જીત અપાવનાર જો રૂટ ફરીથી કેપ્ટન બનતા ફેન્સમાં આનંદનો માહોલ છે. જો રૂટે જણાવ્યું કે, ફ્લેમિંગનો રમત પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને વિજેતા માનસિકતા ઇંગ્લેન્ડ ક્રિકેટ માટે એક નવી ઊર્જા લાવશે. ઇંગ્લેન્ડ મેન્સ ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર રોબ કીએ પણ આશા વ્યક્ત કરી હતી કે ફ્લેમિંગની નિમણૂકથી ટીમમાં નવી સ્થિરતા અને સફળતા મળશે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
