<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ફ્રેન્ચ ફૂટબોલમાં નવા યુગનો પ્રારંભ: દંતકથાસમાન ઝિનેદીન ઝિદાન બન્યા ફ્રાન્સના મુખ્ય કોચ; ૨૦૩૦ FIFA વર્લ્ડ કપ સુધી સંભાળશે 'લેસ બ્લુસ' નું સિંહાસન!

૧૪ વર્ષના સફળ કાર્યકાળ બાદ ડિડિયર ડેશચેમ્પ્સની વિદાય પછી ઝિદાનને સોંપાઈ કમાન: ૧ ઓગસ્ટથી સત્તાવાર પદ સંભાળશે, UEFA નેશન્સ લીગ અને યુરો ૨૦૨૮માં ટીમનું નેતૃત્વ કરશે

પેરિસ, તા.28: વિશ્વ ફૂટબોલના સૌથી મહાન અને આદરણીય ખેલાડીઓ તેમજ સફળ મેનેજરોમાં ગણાતા ઝિનેદીન ઝિદાન (Zinedine Zidane) ને ફ્રાન્સ પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશન (FFF) એ આગામી ચાર વર્ષ માટે એટલે કે ૨૦૩૦ FIFA વર્લ્ડ કપ સુધી 'લેસ બ્લુસ' (Les Bleus) ના વડા તરીકે ઝિદાનના નામની સત્તાવાર જાહેરાત કરી છે.
FFF ના પ્રમુખ ફિલિપ ડાયલોએ મંગળવારે એકઝિક્યુટિવ કમિટીની મહત્વની બેઠક બાદ યોજાયેલી ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ઝિદાનને રજૂ કર્યા હતા. ૧૯૬૪માં હેનરી ગુએરિન પછી ઝિદાન ફ્રેન્ચ રાષ્ટ્રીય ટીમના ઇતિહાસમાં ૧૮મા મેનેજર બન્યા છે.
ડિડિયર ડેશચેમ્પ્સના ૧૪ વર્ષના સુવર્ણ યુગનો અંત
ઝિદાન ફ્રાન્સના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મેનેજર ડિડિયર ડેશચેમ્પ્સનું સ્થાન લેશે. ૨૦૨૬ ના ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સની ટીમ સેમિફાઇનલમાં બહાર ફેંકાઈ ગયા બાદ ડેશચેમ્પ્સે પોતાના ૧૪ વર્ષ લાંબા અને સફળ કાર્યકાળનો અંત આણ્યો હતો.
"ફ્રેન્ચ રાષ્ટ્રીય ટીમથી મોટું કશું જ નથી" - ઝિનેદીન ઝિદાન
પોતાની નિયુક્તિ બાદ ગર્વ વ્યક્ત કરતા ૫૪ વર્ષીય ઝિદાને જણાવ્યું હતું કે, "મેં હંમેશાં કહ્યું છે કે ફ્રેન્ચ રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવાથી મોટું કંઈ જ નથી. આ ટીમનો મેનેજર બનવું એ મારા માટે ભારે આનંદ અને અસીમ ગર્વની ક્ષણ છે. FFF ના પ્રમુખ ફિલિપ ડાયલો અને બોર્ડનો મારા પર વિશ્વાસ મૂકવા બદલ આભાર માનૂં છું. હું ડિડિયર ડેશચેમ્પ્સની ૧૪ વર્ષની અદ્ભુત સેવાની પણ સરાહના કરું છું. રાષ્ટ્રીય ટીમ માટે મારી મહત્વાકાંક્ષાઓ ખૂબ ઊંચી છે."
૧ ઓગસ્ટથી સંભાળશે જવાબદારી: આગામી રોડમેપ
ઝિદાન સત્તાવાર રીતે ૧ ઓગસ્ટથી પોતાનો કાર્યભાળ સંભાળશે. તેમની પ્રથમ મોટી પરીક્ષા ૨૦૨૬-૨૦૨૭ UEFA નેશન્સ લીગ ઝુંબેશ રહેશે. આ પછી તેઓ યુરો ૨૦૨૮ ક્વોલિફાયર, ૨૦૨૮-૨૦૨૯ નેશન્સ લીગ અને ૨૦૩૦ વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચોમાં ટીમનું માર્ગદર્શન કરશે. ઝિદાન સપ્ટેમ્બરના પ્રારંભમાં પોતાના સહાયક કોચિંગ સ્ટાફની જાહેરાત કરશે.
FFF પ્રમુખ ફિલિપ ડાયલોએ ઉમેર્યું કે, ઝિદાનની સફર પ્રતિભા, સખત મહેનત અને નમ્રતાનું ઉત્તમ ઉદાહરણ છે, અને તેમની હાજરી ફ્રેન્ચ ફૂટબોલને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

(4:50 PM IST)