તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 1st July 2026
કિંગ કોહલી પછી હવે 'વૈભવ રાજ': ફિફા વર્લ્ડ કપના ફીવર વચ્ચે પણ બ્રિટિશ મીડિયા પર છવાયો ૧૫ વર્ષનો ભારતીય સેન્સેશન, પત્રકારોને મળ્યો ખાસ ટાસ્ક!
રમ્યા વગર જ લોર્ડ્સના પ્રેસ બોક્સમાં વૈભવ સૂર્યવંશીની ધૂમ; માઈકલ વોને ગણાવ્યો દુનિયાનો સર્વશ્રેષ્ઠ T20 પ્લેયર, વિરાટનો વારસો સંભાળવા તૈયાર

નવી દિલ્હી, તા.૦૧: ભારતીય ક્રિકેટમાં જ્યારે પણ કોઈ નવો સિતારો ચમકે છે ત્યારે આખી દુનિયા તેની દીવાની થઈ જાય છે, પરંતુ ૧૫ વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીની આસપાસ ઇંગ્લેન્ડમાં જે વાતાવરણ સર્જાયું છે તે અભૂતપૂર્વ છે. હાલમાં જ્યારે આખી દુનિયા પર ફૂટબોલ વર્લ્ડ કપનો રોમાંચ છવાયેલો છે અને અખબારોમાં ક્રિકેટ માટે જગ્યા મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન છે, ત્યારે બ્રિટિશ મીડિયામાં વૈભવ માટે ખાસ પાના ફાળવવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે હજી ડેબ્યૂ કરવાનું બાકી હોવા છતાં, લોર્ડ્સનું પ્રેસ બોક્સ હોય કે ક્રિકેટ પોડકાસ્ટ, દરેક જગ્યાએ માત્ર વૈભવના નામની જ ચર્ચા થઈ રહી છે.
ફિફા વર્લ્ડ કપ કરતાં પણ મોટો ક્રેઝ!
લંડનમાં હાજર એક વરિષ્ઠ બ્રિટિશ પત્રકારે સ્થિતિની ગંભીરતા સમજાવતા કહ્યું કે, "ફૂટબોલ વર્લ્ડ કપ દરમિયાન સ્પોર્ટ્સ પેજ પર કોઈ બીજાને સ્થાન આપવું અશક્ય હોય છે, પરંતુ અમને અમારા એડિટર્સ દ્વારા ખાસ ટાસ્ક આપવામાં આવ્યો છે કે વૈભવ સૂર્યવંશી પર વિગતવાર ફીચર સ્ટોરી તૈયાર કરવામાં આવે. તે હાલમાં કોઈ મોટા ફૂટબોલ સુપરસ્ટાર જેવો ક્રેઝ ધરાવે છે." અન્ય એક પત્રકારે ઉમેર્યું કે, તેઓ સામાન્ય રીતે T20 સિરીઝ માટે પોડકાસ્ટ નથી કરતા અને તેમનું ધ્યાન માત્ર ટેસ્ટ ક્રિકેટ પર જ હોય છે, પરંતુ વૈભવના કારણે તેઓ આ વખતે નિયમ તોડીને ખાસ પોડકાસ્ટ સિરીઝ શરૂ કરી રહ્યા છે.
કિંગ કોહલીના વારસા તરફ પ્રયાણ અને માઈકલ વોનની એન્ટ્રી
ઇંગ્લેન્ડના મીડિયા અને ફેન્સમાં વૈભવની લોકપ્રિયતા જોઈને સ્પોર્ટ્સ પંડિતો માની રહ્યા છે કે ભારતીય ક્રિકેટનો આગામી સુપરસ્ટાર મળી ગયો છે. ક્રિકેટ જગતનો વારસો હવે ધીમે-ધીમે વિરાટ કોહલીથી વૈભવ તરફ શિફ્ટ થઈ રહ્યો હોય તેવું ચિત્ર યુકેમાં દેખાઈ રહ્યું છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને તો ત્યાં સુધી કહી દીધું છે કે વૈભવ હાલમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ T20 બેટ્સમેન છે. આ સાથે જ વોને તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવા બદલ ભારતીય ટીમ મેનેજમેન્ટની આકરી ટીકા પણ કરી છે.
ભારતીય મેનેજમેન્ટે બનાવ્યું 'સુરક્ષા કવચ'
બીજી તરફ, ભારતીય ટીમ મેનેજમેન્ટે આ ભારે દબાણ અને મીડિયા હાઈપ વચ્ચે ૧૫ વર્ષના આ વન્ડર બોયને ખૂબ જ સાવચેતીપૂર્વક સાચવી રાખ્યો છે. ટીમે તેને બાહ્ય અવાજો અને અતિશય પબ્લિસિટીના પ્રેશરથી દૂર રાખવા માટે એક ખાસ સુરક્ષા કવચ બનાવ્યું છે. બ્રોડકાસ્ટર્સ અને સ્પોન્સર્સ માટે અત્યારે વૈભવ સૂર્યવંશી એક મોટો 'ટીઆરપી મશીન' અને ટિકિટ વિન્ડો પર ભીડ ખેંચનારો ચહેરો બની ગયો છે. આગામી વનડે સિરીઝમાં જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફરશે ત્યારે કદાચ ધ્યાન બદલાશે, પરંતુ હાલ પૂરતું તો બ્રિટનની ધરતી પર આ કિશોરે બધાના હોશ ઉડાવી દીધા છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
