તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 6th May 2026
ચેમ્પિયન્સ લીગમાં આર્સેનલનો ઐતિહાસિક વિજય: સાકાના ગોલથી એટ્લેટિકો મેડ્રિડ પરાસ્ત, ૨૦ વર્ષ બાદ ફાઈનલમાં પહોંચી ગનર્સની ટીમ!
બુકાયો સાકા બન્યો જીતનો હીરો: એટ્લેટિકો સામે ૧-૦થી મેચ અને ૨-૧ના એગ્રીગેટથી સેમીફાઈનલ જીતી આર્સેનલે ઈતિહાસ રચ્યો, બુડાપેસ્ટમાં રમાશે ખરાખરીનો જંગ

લંડન: તા.૦૬ યુરોપિયન ફૂટબોલના સૌથી પ્રતિષ્ઠિત મંચ 'ચેમ્પિયન્સ લીગ'માં લંડન ક્લબ આર્સેનલે ૨૦૦૬ પછી પ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચી દીધો છે. નોર્થ લંડનમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ સેમીફાઈનલની બીજી લેગમાં આર્સેનલે એટ્લેટિકો મેડ્રિડને ૧-૦થી હરાવીને ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી છે. આ જીત સાથે મિકેલ આર્ટેટાની ટીમ હવે યુરોપના શિખર પર પહોંચવાની ખૂબ નજીક છે.
સાકાનો જાદુઈ ગોલ અને શ્વાસ અધ્ધર કરનારી ક્ષણો
મેચની શરૂઆતથી જ આર્સેનલે આક્રમક રમત બતાવી હતી, પરંતુ એટ્લેટિકોના મજબૂત ડિફેન્સે તેમને લાંબો સમય રોકી રાખ્યા હતા. હાફ-ટાઇમ પૂરો થવાની ઠીક પહેલા ૪૪મી મિનિટે લેઆન્ડ્રો ટ્રોસાર્ડના શક્તિશાળી શોટને એટ્લેટિકોના ગોલકીપર જાન ઓબ્લાકે રોકવાનો પ્રયાસ કર્યો, પણ બોલ રિબાઉન્ડ થઈને બુકાયો સાકા પાસે ગયો. સાકાએ કોઈ ભૂલ કર્યા વગર બોલને ગોલપોસ્ટમાં ધકેલી દીધો હતો. આ એકમાત્ર ગોલે આર્સેનલને મેચમાં લીડ અપાવી હતી જે અંત સુધી જળવાઈ રહી.
ડિફેન્સની મજબૂત દીવાલ
બીજા હાફમાં એટ્લેટિકો મેડ્રિડે એન્ટોઈન ગ્રીઝમેનના નેતૃત્વમાં વળતો પ્રહાર કર્યો હતો, પરંતુ આર્સેનલના ગોલકીપર ડેવિડ રાયાએ શાનદાર સેવ કરીને ટીમની લીડ બચાવી રાખી હતી. આ સીઝનમાં આર્સેનલની આ ૩૦મી ક્લીન શીટ હતી, જે તેમની મજબૂત રક્ષણાત્મક રણનીતિ દર્શાવે છે. કેપ્ટન માર્ટિન ઓડેગાર્ડ અને વિક્ટર ગ્યોકરેસના પ્રયાસોએ પણ એટ્લેટિકોને દબાણમાં રાખ્યું હતું.
બુડાપેસ્ટ ફાઈનલ પર નજર
જીત બાદ ઉત્સાહિત બુકાયો સાકાએ જણાવ્યું હતું કે, "આ જીત અમારા અને ફેન્સ માટે ખૂબ જ સુંદર છે. આ એક હાઈ-પ્રેશર ગેમ હતી, પરંતુ અમે તેને સારી રીતે હેન્ડલ કરી અને હવે અમે ફાઈનલમાં છીએ." આર્સેનલ હવે આ મહિનાના અંતમાં હંગેરીના બુડાપેસ્ટમાં રમાનારી ફાઈનલમાં ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરશે. ૨૦ વર્ષના લાંબા અંતર બાદ ફાઈનલમાં પહોંચતા ગનર્સના સમર્થકોમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
