તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
અર્શદીપના ઝટકાથી અફઘાનિસ્તાન ભાંગી પડ્યું, અભિષેકના તોફાને મેચ ઉડાવી! ભારતનો ૭ વિકેટે દમદાર વિજય
૪૩ રનમાં ૫ વિકેટ ગુમાવનાર અફઘાનિસ્તાનને ઓમરઝાઈ-નબીની ભાગીદારીથી ૧૫૬ સુધી પહોંચાડ્યું, પરંતુ અર્શદીપે ૩ વિકેટ લઈ ફરી લગામ ખેંચી : ૧૫૭ના લક્ષ્યાંક સામે અભિષેકનું ૩૨ બોલમાં ૮૨ રનનું તોફાનઃ ભારતે ૧૩.૪ ઓવરમાં જ લક્ષ્ય પાર કર્યું

નવી દિલ્હીઃ પ્રથમ T-૨૦માં ટીમ ઈન્ડિયાએ અફદ્યાનિસ્તાનને ૭ વિકેટે હરાવી ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી. ભારતના વિજયમાં બોલિંગમાં અર્શદીપ સિંહ અને બેટિંગમાં અભિષેક શર્મા મુખ્ય નાયક બન્યા.
ટોસ જીતીને ભારતે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. અફદ્યાનિસ્તાનની શરૂઆત જોરદાર ઝટકાઓથી થઈ હતી. જસપ્રીત બુમરાહે પ્રથમ ઓવરમાં જ રહમાનુલ્લાહ ગુરબાઝને આઉટ કરી ભારતને શરૂઆત અપાવી હતી. ત્યારબાદ ભારતીય બોલરોએ દબાણ વધારતા અફદ્યાનિસ્તાનનો સ્કોર એક તબક્કે ૪૩ રનમાં ૫ વિકેટ થઈ ગયો હતો.
આ પરિસ્થિતિમાં અઝમતુલ્લાહ ઓમરઝાઈ અને મોહમ્મદ નબીએ ૮૩ રનની મહત્વની ભાગીદારી કરીને અફદ્યાનિસ્તાનને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. ઓમરઝાઈએ અણનમ ૬૪ અને નબીએ ૩૩ રન બનાવ્યા હતા. અંતે અફદ્યાનિસ્તાને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૬ રન બનાવ્યા. ભારત તરફથી અર્શદીપ સિંહે માત્ર ૧૯ રનમાં ૩ વિકેટ ઝડપી મેચનો પલડો ભારત તરફ ઝુકાવી દીધો.
૧૫૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શરૂઆતમાં સંજુ સેમસનના રૂપમાં ઝટકો લાગ્યો, પરંતુ ત્યારબાદ અભિષેક શર્માએ એવી તોફાની બેટિંગ કરી કે અફદ્યાન બોલરો પાસે કોઈ જવાબ રહ્યો નહીં. અભિષેકે માત્ર ૩૨ બોલમાં ૮૨ રન ફટકાર્યા, જેમાં ૭ ચોગ્ગા અને ૭ છગ્ગાનો સમાવેશ થયો. ઈશાન કિશને પણ ૪૨ રનની ઉપયોગી ઇનિંગ રમી.
અભિષેકના આક્રમક પ્રહારોના કારણે ભારતે માત્ર ૧૩.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી ૧૫૭ રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું, એટલે કે ૩૮ બોલ બાકી રાખીને શાનદાર જીત મેળવી. આ વિજય સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
