તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 25th October 2026
એશિયા કપ 2026ના શેડ્યૂલનો ધમાકો: 22 નવેમ્બરે જામશે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ-વોલ્ટેજ જંગ
કતારના દોહામાં રાઇઝિંગ એશિયા કપનું આયોજન: બંને કટ્ટર હરીફો એક જ ગ્રુપમાં સ્થાન પામતાં ક્રિકેટ ચાહકોમાં રોમાંચ

દોહા : વિશ્વભરના ક્રિકેટ ચાહકો જે હાઇ-વોલ્ટેજ મુકાબલાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે તે ક્ષણ આખરે નજીક આવી ગઈ છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા ‘રાઇઝિંગ એશિયા કપ 2026’ ના સત્તાવાર શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. કતારની રાજધાની દોહા ખાતે આયોજિત આ હાઈ-પ્રોફાઈલ ટુર્નામેન્ટમાં 22 નવેમ્બરે બે કટ્ટર હરીફ ટીમો વચ્ચે વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મહાસંગ્રામ ખેલાશે.
આગામી 19 થી 29 નવેમ્બર સુધી રમાનારી આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે, જેને ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-A માં શ્રીલંકા A, બાંગ્લાદેશ A, અફઘાનિસ્તાન A અને હોંગકોંગ સામેલ છે, જ્યારે ગ્રુપ-B માં ભારત A, પાકિસ્તાન A, નેપાળ અને યુએઈનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટનો પ્રારંભ 19 નવેમ્બરે બાંગ્લાદેશ અને હોંગકોંગ વચ્ચેની મેચથી થશે. ભારતીય ટીમ 20 નવેમ્બરે નેપાળ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 22 નવેમ્બરે પાકિસ્તાન સામે અને 24 નવેમ્બરે યુએઈ સામે આખરી ગ્રુપ મેચ રમશે.
આ હાઇ-વોલ્ટેજ ટુર્નામેન્ટના નોકઆઉટ મુકાબલાઓ વિશે વાત કરીએ તો સેમિફાઇનલ મેચો 26 અને 27 નવેમ્બરે રમાશે, જ્યારે ટાઇટલ માટેનો મહાજંગ 29 નવેમ્બરે વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે. ભારત અને પાકિસ્તાનના યુવા ખેલાડીઓ માટે આ પ્લેટફોર્મ પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિભા અને કૌશલ્ય સાબિત કરવાની એક મોટી તક સમાન બની રહેશે. બંને દેશો વચ્ચેની રોમાંચક મેચ પર માત્ર એશિયા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકોની વિશેષ નજર મંડાયેલી રહેશે.
છેલ્લી સિઝનમાં પાકિસ્તાન A ટીમે શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ પોતાના નામે કર્યો હતો, જ્યારે ઇન્ડિયા A ટીમે ઉત્કૃષ્ટ શરૂઆત કરવા છતાં અંતિમ ચરણમાં ટાઇટલ ચૂકી ગઈ હતી. આ વખતે 2026 ની આ સીઝનમાં ભારતીય ટીમ પોતાના ભૂતકાળના પ્રદર્શન સુધારીને ખિતાબ પોતાના નામે કરવાનો દ્રઢ નિર્ધાર કરશે. 22 નવેમ્બરની પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ ગ્રુપ મેચ બાદ સેમિફાઇનલ અને ફાઇનાલમાં પણ જીત મેળવીને ચેમ્પિયન બનવા માટે ભારતીય યુવા ક્રિકેટરોએ તમામ મોરચે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવું પડશે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
