<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

એશિયન ગેમ્સ ૨૦૨૬: અભિષેક શર્મા છ-છ બેગ લઈને જાપાન રવાના થતાં સોશિયલ મીડિયા પર વાયરલ, યુઝર્સે પૂછ્યું - 'ભાઈ ત્યાં જ સ્થાયી થઈ જવાનો છે કે શું?'

શ્રેયસ ઐયરની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમ જાપાન પહોંચી: ૨૨મી સપ્ટેમ્બરે ઐતિહાસિક ટી-૨૦ મેચ અગાઉ એરપોર્ટ પર ભારતીય ઓપનરનો સામાન જોઈ ફેન્સ આશ્ચર્યચકિત

ટોક્યો, તા.૨૧: જાપાનમાં એશિયન ગેમ્સ ૨૦૨૬નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ભારતીય ક્રિકેટ ટીમ દેશ માટે ટ્રોફી જીતવાના વિજયી લક્ષ્ય સાથે રવાના થઈ ગઈ છે. જાપાન જવા માટે એરપોર્ટ પહોંચેલી શ્રેયસ ઐયરની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમ સાથે એક એવી મજેદાર ઘટના બની જેણે સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી દીધી છે. એરપોર્ટ પર ભારતીય વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માનો અસંખ્ય સામાન જોઈને ચાહકો અને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જેના વીડિયો અને ફોટોઝ ક્ષણભરમાં વાયરલ થઈ ગયા છે.

ભારતની પુરુષ ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સમાં પોતાની પ્રથમ ટી-૨૦ મેચ ૨૮મી સપ્ટેમ્બરે રમશે, પરંતુ તે પહેલા મંગળવારે એટલે કે ૨૨મી સપ્ટેમ્બરે ભારત અને જાપાન વચ્ચે એક ઐતિહાસિક ટી-૨૦ મેચ રમાવાની છે. ટીમ મુંબઈ એરપોર્ટથી રવાના થઈ ત્યારે શ્રેયસ ઐયર અને અન્ય ખેલાડીઓ સામાન્ય સામાન સાથે નજરે પડ્યા હતા, પરંતુ તાજેતરમાં જ માત્ર ૩૦ બોલમાં સદી ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચનાર અભિષેક શર્મા ટ્રોલીમાં છ-છ મોટી બેગ સાથે જોવા મળ્યો હતો. ટૂંકા પ્રવાસ માટે આટલો બધો સામાન જોઈને ક્રિકેટપ્રેમીઓએ સોશિયલ મીડિયા પર રમૂજી ટિપ્પણીઓનો વરસાદ વરસાવવાનું શરૂ કરી દીધું છે.

સોશિયલ મીડિયા પર નેટિઝન્સની રમુજી ટિપ્પણીઓનો સુનામી

અભિષેકની બેગ્સનો અંબાર જોઈને 'એક્સ' (ટ્વિટર) પર એક ચાહકે લખ્યું, "ત્રણ મેચ રમવા જવું છે અને આટલો બધો સામાન?" તો બીજા એક ક્રિકેટપ્રેમીએ મજાક કરતા પૂછ્યું, "અભિષેક ભાઈ, તું જાપાનમાં સ્થાયી તો નથી થઈ જવાનો ને?" ભારતીય ટીમના હેન્ડસમ ખેલાડીઓમાંથી એક ગણાતા અભિષેકના લુક્સ પર ટિપ્પણી કરતાં એક યુઝરે લખ્યું કે, "લાગે છે કે અભિષેક આખી ટુર્નામેન્ટ ચાલે એટલી સ્કીન કેર પ્રોડક્ટ્સ સાથે લઈ ગયો છે." આ સિવાય જાપાનમાં ખેલાડીઓના રોકાણ અંગેના સમાચારનો સંદર્ભ આપતા અન્ય એક ફેને લખ્યું, "જાપાનમાં રહેવાની વ્યવસ્થા બરાબર નથી એટલે લાગે છે કે અભિષેક પોતાનો ટેન્ટ સંકેલીને સાથે લઈ જઈ રહ્યો છે."

(4:20 PM IST)