News of Friday, 18th September 2026
એશિયન ગેમ્સ ૨૦૨૬: ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં મનુ ભાકર અને તેજિન્દરપાલ સિંહ તૂર બનશે ભારતના ધ્વજવાહક, પણ ઉદ્ઘાટન પહેલાં નાગોયામાં કેમ મચી અફરાતફરી?
જાપાનના આઈચી-નાગોયામાં પરંપરાગત ફ્લેગ હોસ્ટિંગ ટેકનિકલ ખામી અને આવાસના વિવાદ વચ્ચે અચાનક રોકાયું: ક્રૂઝ શિપ અને કન્ટેનર રોકાણથી ખેલાડીઓ હેરાન

નાગોયા (જાપાન) : જાપાનના આઈચી-નાગોયા ખાતે આયોજિત ૨૦મી એશિયન ગેમ્સના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ માટે ભારતીય દળના ધ્વજવાહકોના નામની અધિકૃત જાહેરાત કરી દેવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિક્સમાં ડબલ મેડલ જીતીને ઈતિહાસ રચનાર સ્ટાર શૂટર મનુ ભાકર અને એશિયન ગેમ્સમાં સતત બે ગોલ્ડ મેડલ જીતનાર દિગ્ગજ શોટપુટ ખેલાડી તેજિન્દરપાલ સિંહ તૂર ૧૯મી સપ્ટેમ્બરે યોજાનાર ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ત્રિરંગો લહેરાવશે અને ૫૦૦થી વધુ ખેલાડીઓના ભારતીય દળનું નેતૃત્વ કરશે.
ભારતના શેફ-દ-મિશન સહદેવ યાદવે મનુ ભાકરના નામની પુષ્ટિ કરી હતી, જ્યારે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI) દ્વારા તેજિન્દરપાલ સિંહ તૂરના નામની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪માં મનુ ભાકરે ૧૦ મીટર એર પિસ્તોલ સિંગલ્સ અને મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ મેળવ્યું હતું. બીજી તરફ, ૩૧ વર્ષીય તેજિન્દરે ૨૦૧૮ જકાર્તા અને ૨૦૨૩ હાંગઝૂ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને હવે તેઓ સતત ત્રીજો ગોલ્ડ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.
ઉદ્ઘાટન પહેલાં જ નાગોયામાં સર્જાયો ભારે વિવાદ
ઓફિશિયલ ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં શુક્રવારે નાગોયાના ગાર્ડન પિયર ખાતે પરંપરાગત ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. જેમાં ભારતના ડેપ્યુટી શેફ-દ-મિશન અચંતા શરથ કમલ અને અંજલિ ભાગવત સહિત ભારત સહિત ૫ દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. જોકે, આયોજકોએ ટેકનિકલ ક્ષતિઓ અને ટીમ વિવાદનું કારણ આપીને કાર્યક્રમ અચાનક વચ્ચેથી જ રોકી દેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આ વખતે આયોજકોએ પરંપરાગત ગેમ્સ વિલેજને બદલે કન્ટેનર-શૈલીના અસ્થાયી આવાસ, લોકલ હોટલો અને ‘કોસ્ટા સેરેના’ નામના વિશાળ ક્રૂઝ શિપમાં ખેલાડીઓના રોકાણની વિવાદાસ્પદ વ્યવસ્થા કરી છે. આ અનોખા પ્રયોગના કારણે ખેલાડીઓને રૂમ એલોટમેન્ટ, ખાવા-પીવાની સુવિધાઓ અને તાલીમ સ્થળો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી વિદેશી ખેલાડીઓ અને દળના સંચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
