તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 17th September 2026
એશિયન ગેમ્સ ૨૦૨૬: '૧૦-૧૫ મિનિટમાં જ રૂમ મળી ગયા!', જાપાનમાં રહેવાની વ્યવસ્થાના વિવાદ વચ્ચે ભારતીય મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌરનો મોટો ખુલાસો
ક્રૂઝ શિપ પર ૧૨ કલાક રાહ જોવડાવ્યાના અહેવાલો વચ્ચે કેપ્ટન અને મુખ્ય કોચ અમોલ મુઝુમદારે તમામ અફવાઓ ફગાવી: જાપાનીઝ સ્ટાફના વખાણ કરી સુવિધાઓ અંગે વ્યક્ત કર્યો સંપૂર્ણ સંતોષ

ટોક્યો : જાપાનમાં આયોજિત એશિયન ગેમ્સ ૨૦૨૬ના પ્રારંભ પહેલા જ ખેલાડીઓની રહેવાની વ્યવસ્થાને લઈને વિવાદો સામે આવી રહ્યા છે. ભારતીયો સહિત અનેક દેશોના ખેલાડીઓને ક્રૂઝ શિપ પર ચેક-ઈન કરવા માટે લગભગ ૧૨-૧૨ કલાક સુધી રાહ જોવી પડી હોવાના માધ્યમોના અહેવાલો વચ્ચે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મહત્વનું નિવેદન આપ્યું છે. હરમનપ્રીતે તમામ અફવાઓને નકારી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે ભારતીય મહિલા ટીમને રહેવાની કે ચેક-ઈનની વ્યવસ્થામાં કોઈ જ મુશ્કેલી પડી નથી અને માત્ર ૧૦ થી ૧૫ મિનિટની અંદર જ તેમને રૂમ સોંપી દેવામાં આવ્યા હતા.
મીડિયા સાથેની ખાસ વાતચીતમાં હરમનપ્રીત કૌરે જણાવ્યું હતું કે, "મને નથી લાગતું કે અમારી ટીમે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. સામાન્ય રીતે જેમ આપણને રૂમ અને સુવિધાઓ મળે છે, બિલકુલ તેવી જ રીતે ૧૦-૧૫ મિનિટમાં જ અમને બધું જ મળી ગયું હતું." કેપ્ટને સ્થાનિક જાપાનીઝ હોસ્ટ અને સ્ટાફની હોસ્પિટાલિટીના મુક્ત મને વખાણ કરતા ઉમેર્યું કે, બહાર મીડિયામાં શું અહેવાલો ચાલે છે તેની તેને જાણ નથી, પરંતુ અહીંનો સ્ટાફ ખૂબ જ મદદરૂપ છે અને ટીમને મળેલી તમામ સુવિધાઓથી ખેલાડીઓ અત્યંત ખુશ છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અમોલ મુઝુમદારે પણ કેપ્ટનના સૂર પૂરાવતા કહ્યું કે ટીમ તરફથી રહેવાની વ્યવસ્થા અંગે કોઈ જ ફરિયાદ નથી. નોંધનીય છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૧૮ સપ્ટેમ્બરના રોજ ક્વાર્ટર ફાઇનલમાં યજમાન જાપાન સામે મેદાનમાં ઉતરીને પોતાના એશિયન ગેમ્સ અભિયાનની શાનદાર શરૂઆત કરશે. વર્ષ ૨૦૨૩ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમ આ વખતે પણ પોતાના ચૅમ્પિયન પદનું રક્ષણ કરવા માટે પૂરા આત્મવિશ્વાસ સાથે સજ્જ છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
