તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
આઇપીએલના મેદાનમાં ફરી બાંગ્લાદેશી ખેલાડીઓ? સાત ક્રિકેટરોની મિની ઓક્શનમાં એન્ટ્રીની તૈયારી
મુસ્તાફિઝુર રહમાન સહિત સાત ખેલાડીઓએ આઇપીએલ-૨૦૨૭ની હરાજી માટે નામ નોંધાવવાની તૈયારી કરીઃ ૧૬ ડિસેમ્બરે યોજાનારી હરાજી પર ક્રિકેટ જગતની નજર

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં ફરી સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. આ જ બદલાતા માહોલ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી ૨૦૨૭ની મિની ઓક્શનમાં બાંગ્લાદેશના સાત ક્રિકેટરો ભાગ લે તેવી શકયતા છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં બાંગ્લાદેશનો સ્ટાર ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહમાન પણ સામેલ છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ઓક્શનની પ્રક્રિયામાં સામેલ કરવાનો નિર્ણય લેવાયા બાદ બાંગ્લાદેશના ખેલાડીઓ માટે આઇપીએલમાં રમવાનો માર્ગ ફરી ખુલવાની આશા જાગી છે. આગામી ૧૬ ડિસેમ્બરે યોજાનારી મિની ઓક્શન માટે સાત ખેલાડીઓ પોતાનાં નામ નોંધાવે તેવી સંભાવના છે. આ સાત ખેલાડીઓમાં મુસ્તાફિઝુર રહમાન ઉપરાંત નાહિદ રાણા, રિશાદ હુસૈન, હસન મહમૂદ, તૌહીદ હૃદોય, તસ્કીન અહેમદ અને શોરિફુલ ઈસ્લામનો સમાવેશ થાય છે.
મુસ્તાફિઝુર રહેમાનની આઇપીએલમાં વાપસી ખાસ ચર્ચાનો વિષય બની છે. ડિસેમ્બર ૨૦૨૫માં યોજાયેલી હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે તેને રૂ.૯.૨૦ કરોડની જંગી કિંમતે ખરીદ્યો હતો. આ સાથે તે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો. જોકે, ત્યારબાદ સર્જાયેલા વિવાદને પગલે જાન્યુઆરી ૨૦૨૬માં બીસીસીઆઇના નિર્દેશથી આઇપીએલએ તેને ટીમમાંથી રિલીઝ કર્યો હતો.
આ ઘટનાને કારણે ભારત અને બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડ વચ્ચે પણ તણાવ સર્જાયો હતો. હવે સંબંધોમાં સુધારાના સંકેતો વચ્ચે બાંગ્લાદેશી ખેલાડીઓની આઇપીએલમાં ફરી એન્ટ્રીની શકયતા ઊભી થતાં ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. જોકે, ઓક્શનમાં આ ખેલાડીઓમાંથી કોના પર અને કેટલી બોલી લાગે છે તે જોવું રસપ્રદ રહેશે
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
