<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

બેવોન જેકબ્સની તાબડતોબ બેવડી સદી અને ૨૧ છગ્ગાની ઐતિહાસિક ઇનિંગ: વર્લ્ડ રેકોર્ડ તૂટતા અટક્યો

ઓકલેન્ડ તરફથી રમતા યુવા બેટ્સમેને લિસ્ટ-એ ક્રિકેટમાં રચ્યો નવો ઇતિહાસ, શાનદાર પ્રદર્શન છતાં ઓટાગો સામે ટીમને મળી હાર

ઓકલેન્ડ : ન્યૂઝીલેન્ડની સ્થાનિક ફોર્ડ ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટમાં ઓકલેન્ડ એસેસ તરફથી રમી રહેલા યુવા બેટ્સમેન બેવોન જેકબ્સે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કરીને ક્રિકેટ જગતમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ઓટાગો વોલ્ટ્સ સામેની મેચમાં બેવોન જેકબ્સે માત્ર ૧૩૭ બોલનો સામનો કરીને ૭ ચોગ્ગા અને ૨૧ ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ ૨૦૨ રનની મેરેથોન ઇનિંગ રમી હતી.

 

આ વિસ્ફોટક ઇનિંગ સાથે જ જેકબ્સે ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં લિસ્ટ-એ મેચની એક જ ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જોકે તે વિશ્વ રેકોર્ડથી માત્ર બે છગ્ગા પાછળ રહી ગયો હતો.

 

મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓકલેન્ડની ટીમ તરફથી અન્ય કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહેવા છતાં જેકબ્સના એકલાના દમ પર ટીમ નિર્ધારિત ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૩૪ રનનો મજબૂત સ્કોર બનાવવામાં સફળ રહી હતી.

 

સામા પક્ષે ૩૩૫ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓટાગો વોલ્ટ્સની ટીમે શાનદાર ટીમ વર્કનું પ્રદર્શન કર્યું હતું, જેમાં ચૂએ ૭૫ રન અને પાર્ક્સે ૫૫ રનનું યોગદાન આપીને મેચનું પાસું પલટી નાખ્યું હતું.

 

ઓટાગોની ટીમ દ્વારા ૪૯.૧ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લેવામાં આવતા બેવોન જેકબ્સની આ ઐતિહાસિક અને યાદગાર બેવડી સદી એળે ગઈ હતી અને તેની ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો

(6:09 PM IST)